
રણવીર સિંહની ફિલ્મ `ધુરંધરઃ ધ રિવેન્જ’ ગુરુવારે બ્લોકબસ્ટર ઓપનિંગમાં જોવા મળી હતી. આદિત્ય ધર દિગ્દર્શિત આ ફિલ્મે બુધવારે પ્રીમિયર શો સાથે રેકોર્ડ બનાવ્યા બાદ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મ ઘરેલુ બોક્સ ઓફિસ પર બોલિવૂડ માટે ઇતિહાસ ફરીથી લખવાની દિશામાં આગળ વધી રહી છે.

શુક્રવાર સવાર સુધીમાં પુષ્ટિ થયેલા આંકડાઓ મળી જશે, પરંતુ સેકનિલ્કના એક અહેવાલ મુજબ ફિલ્મે તેના શરૂઆતના દિવસે લગભગ 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે સ્થાનિક બજારમાં ઘણી મોટી રિલીઝને વટાવી ગઈ હતી.

ધુરંધરઃ ધ રિવેન્જ હવે શાહરૂખ ખાનની જવાન (2023), પ્રભાસની આદિપુરૂષ, સલારઃ સીઝ ફાયર – ભાગ 1, કલ્કી 2898 એડી, જુનિયર એનટીઆરની દેવરાઃ ભાગ 1 અને રજનીકાંતની કુલી જેવી ફિલ્મો કરતાં આગળ નીકળી ગઈ છે .

આ રાજકીય નાટક ફિલ્મે તેના પ્રીમિયર શોમાંથી જ 43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પ્રીવ્યૂ કલેક્શનને સામેલ કરીએ તો, બે દિવસ પછી ફિલ્મની કુલ કમાણી 143 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ધુરંધરઃ ધ રીવેન્જે ફિલ્મ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે તેના શરૂઆતના દિવસે પ્રદર્શન સાથે ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ રણવીર સિંહની સૌથી મોટી ઓપનર ફિલ્મ છે અને આદિત્ય ધરની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ પણ છે.

ઈદ દરમિયાન રિલીઝ થનારી આ ફિલ્મને લાંબા ઓપનિંગ સપ્તાહાંતનો ફાયદો થવાની અપેક્ષા છે. ટ્રેડ વિશ્લેષકો એકલા ભારતમાંથી જ કુલ રૂ. 500 કરોડની કમાણીનો અંદાજ લગાવી રહ્યા છે. આ ફિલ્મ વિદેશમાં પણ જોરદાર પ્રદર્શન કરી રહી છે, અને લાંબા સપ્તાહાંતમાં તેની કમાણી પર નજીકથી નજર રાખવામાં આવશે.

સ્થાનિક બોક્સ ઓફિસ પર ટોચના 10 ભારતીય ઓપનર (નેટ કલેક્શન – સ્ત્રોતઃ સેકનિલ્ક)
► પુષ્પા ધ રૂલઃ 164 કરોડ રૂપિયા
► RRR: 133 કરોડ રૂપિયા
► KGF ચેપ્ટર 2ઃ રૂ. 116 કરોડ
► ધુરંધર ધ રિવેન્જઃ રૂ. 100 કરોડ
► કલ્કી 2898 એડીઃ 95 કરોડ રૂપિયા
► સલારઃ 91 કરોડ રૂપિયા
► આદિપુરૂષઃ 87 કરોડ રૂપિયા
► દેવરાઃ 83 કરોડ રૂપિયા
► જવાનઃ 75 કરોડ રૂપિયા
► કુલીઃ 65 કરોડ રૂપિયા















