બેંકો પોતાની શાખાઓ વધારી રહી છે, પરંતુ ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ)નો વિકાસ અટકી ગયો છે. આનું મુખ્ય કારણ ગ્રાહકોનો ડિજિટલ પેમેન્ટ તરફનો ઝડપથી વધતો ટ્રેન્ડ છે.

મર્યાદિત ડિજિટલ સેવાઓ ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં, થાપણો એકત્રિત કરવા અને ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે બેંક શાખા હોવી જરૂરી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2021 માં સરકારી, ખાનગી અને આંતરરાષ્ટ્રીય બેંકોના એટીએમની કુલ સંખ્યા 2,11,332 હતી.

જે નાણાકીય વર્ષ 25 માં મામૂલી વધીને 2,11,654 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, નાણાકીય વર્ષ 21 માં બેંક શાખાઓની સંખ્યા 1,30,176 થી વધીને નાણાકીય વર્ષ 25 માં 1,42,359 થઈ ગઈ છે.

સાધારણ વધારો
2021માં 2,11,332 એટીએમ
2025માં 2,11,654 એટીએમ

બેંક શાખાઓનું વિસ્તરણ
2021 માં 1,30,176
2025 માં 1,42,359
મોબાઇલ બેંકિંગની અસર

આઈસીઆરએના ઉપાધ્યક્ષ સચિન સચદેવે કહ્યું, ‘ડિજિટલ પેમેન્ટ તરફ વધતાં વલણ અને મોબાઈલ કે ઈન્ટરનેટ બેન્કિંગ માટે ગ્રાહકોની પસંદગીને કારણે એટીએમની માંગ ઘટી છે.
તેમણે કહ્યું કે એટીએમની જરૂરિયાત બેંક શાખાઓની જરૂરિયાતથી દૂર થઈ ગઈ છે. શાખાઓ દૂરના વિસ્તારોમાં પહોંચતી હોવાથી, તેમાં હંમેશાં વિસ્તરણની સંભાવના રહે છે.

ગામડાઓમાં હજુ પણ માંગ છે
આરબીઆઈના જણાવ્યાં અનુસાર, ડિજિટલ પેમેન્ટની વધુ પહોંચ ન હોવાથી ગામડાઓ અને નાના નગરોમાં એટીએમની માંગ છે. નાણાકીય વર્ષ 2024-25માં એટીએમમાંથી રોકડ ઉપાડ 30.6 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો, જે નાણાકીય વર્ષ 2019-20માં 28.89 લાખ કરોડ રૂપિયા હતો.

બીસીજીના ભારતના નેતા યશ રાજનું કહેવું છે કે હવે એટીએમ અને શાખાઓ બેંકો માટે અલગ અલગ વસ્તુઓ છે. અગાઉ એટીએમને શાખાઓનું વિસ્તરણ માનવામાં આવતું હતું.
એટીએમ કામગીરી મોંઘી

ઉદ્યોગનાં નિષ્ણાતોનું કહેવું છે કે, મેઇન્ટેનન્સ, કેશ મેનેજમેન્ટ અને કેસેટ સ્વેપિંગ જેવા ખર્ચાઓ વધી રહ્યા હોવાથી બેન્કો માટે એટીએમ ચલાવવાનું મોંઘું પડ્યું છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના વધતા જતા ઉપયોગને કારણે એટીએમમાં ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો હોવાથી મૂળભૂત બદલાવ પણ આવ્યો છે.

ખાનગી ક્ષેત્રની બેંકો પ્રવેશ વધારી રહી છે
બેંકોની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની બેંકોમાં ખાનગી બેંકો કરતાં વધુ એટીએમ છે, સરકારી બેંકોમાં ગામડાઓ અને નગરોમાં ઘણાં બધા એટીએમ છે. ખાનગી ક્ષેત્રની બેંકો હવે મહાનગરોની બહાર એટીએમ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.



















