
ભારત માટે ગર્વની ક્ષણ છે. યુનેસ્કોએ ભારતના મુખ્ય પર્વ દીપાવલીને ‘અમૂર્ત સાંસ્કૃતિક વીરાસત’ (ઈનરેન્જીબલ કલ્ચરલ હેરિટેજ) તરીકે જાહેર કરી છે. આ નિર્ણય યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય સમિતિની મીટીંગમાં લેવામાં આવ્યો હતો. આથી ભારતની સાંસ્કૃતિક ઓળખને નવી માન્યતા મળી છે.

આ અંગે વિશ્લેષકોનું કહેવું છે કે, ભારત ‘મેજર-પાવર’ તરીકે તો હવે સર્વ-સ્વીકૃત બની ગયું છે. પૂજ્ય બાપુનો જન્મદિન ૨જી ઓક્ટોબરના દિવસને ‘વિશ્વ અહિંસા દિન’ તરીકે સ્વીકારાયો છે. ૨૪મી જુલાઈ ‘વિશ્વ યોગ દિન’ તરીકે સ્વીકૃત થયો છે. તે પછી યુનેસ્કોએ દીપાવલીને પણ ‘અમૂર્ત વૈશ્વિક વીરાસત’ તરીકે જાહેર કરવાથી ભારતના ‘સોફટ પાવર’ ઉપર એક વધુ ‘કલગી’ લાગી છે.

આ પર્વ ભારતની આધ્યાત્મિકતા, વિવિધતા અને સામાજિક એકતા દર્શાવે છે. ‘યુનેસ્કો’નું આ પગલું ભારતીય પરંપરાઓને સંરક્ષિત કરવા અને વિશ્વભરમાં તેનું મહત્વ વધારવા માટે સહાયભૂત થશે.

ઉલ્લેખનીય છે કે દીપોત્સવીનું આ પર્વ વેદધર્મી હિન્દુઓ, જૈનો, બૌદ્ધો, અને પારસીઓ તેમજ ભારતમાં સ્થિર થયેલા યહૂદીઓ તથા શીખો તો ઉમંગથી ઉજવે જ છે. ગુરૂદેવ નાનક પણ દીપાવલી પર્વને મહત્વનું ગણતા હતા. તેટલું જ નહીં પરંતુ મુસ્લીમો પણ ‘દીપાવલી’ પર્વ ફટાકડા ફોડી આનંદથી ઉજવે છે. દીપોત્સવી અને મકરસંક્રાંતિનું ‘પતંગ પર્વ’ ભારતની વિવિધતામાં એકતાનું દર્શન કરાવે છે, તે નિર્વિવાદ સત્ય છે.












