HomeAllડિજિટલ રૂપી વોલેટથી ઓફલાઈન લેવડદેવડ શક્ય બનશે

ડિજિટલ રૂપી વોલેટથી ઓફલાઈન લેવડદેવડ શક્ય બનશે

ભારતમાં લાંબા સમયથી રૂપિયાની લેવડદેવડ વધુ ને વધુ પ્રમાણમાં ઓનલાઇન થવા લાગી છે. આંગળીના ઇશારે ટ્રાન્ઝેકશન આપણને સૌને માફક આવી ગયું છે. પરંતુ હાલની યુપીઆઇ વ્યવસ્થા ઇન્ટરનેટ આધારિત છે આથી આપણે કોઈ પણ જગ્યાએ યુપીઆઇથી પેમેન્ટ કરવું હોય તો ફોનમાં ઇન્ટરનેટ કનેકશન ઓન કરવું જરૂરી બને છે.

હવે આ મર્યાદાનો પણ ઉપાય આવી ગયો છે. હમણાં યોજાઈ ગયેલ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૫ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ સત્તાવાર રીતે ઓફલાઇન ડિજિટલ રૂપી વ્યવસ્થા લોન્ચ કરી. આ વ્યવસ્થા હેઠળ જે વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેકશન કે મોબાઇલ કનેક્ટિવિટી ઉપલબ્ધ ન હોય ત્યાં પણ લોકો પોતાના ફોનમાંના ડિજિટલ રૂપી વોલેટની મદદથી આંખના પલકારે રૂપિયાની લેવડદેવડ કરી શકશે.

હાલની યુપીઆઇ વ્યવસ્થામાં ઓનલાઇન લેવડદેવડ પૂરી કરવા માટે ઇન્ટરનેટ એક્સેસ તથા બેંક એકાઉન્ટ સાથેની કનેક્ટિવિટી જરૂરી છે. જ્યારે ડિજિટલ રૂપી વોલેટ આપણે માટે જૂના ને જાણીતા મોબાઇલ વોલેટ જેવું કામ આપે છે. આપણે તેમાં ડિજિટલ ફોર્મમાં રૂપિયા જમા કરી શકીએ અને પછી જરૂર મુજબ વોલેટમાંથી પેમેન્ટ કરી શકીએ.

આ વ્યવસ્થા હવે ઓફલાઇન પણ શક્ય બની છે. આથી ફોનમાંના નીયર ફીલ્ડ કમ્યુનિકેશન (એનએફસી) ફીચર અથવા ટેલિકોમ આસિસ્ટેડ પેમેન્ટની મદદથી બે ફોનમાંના ડિજિટલ વોલેટ વચ્ચે ઇન્ટરનેટ કનેકશન વિના રૂપિયાની આપલે થઈ શકશે.

હાલમાં સેંટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) માટે ૧૫ જેટલી મોટી બેંક ડિજિટલ રૂપી વોલેટ એપની સગવડ આપે છે. આવાં વોલેટ્સમાં મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જરૂરિયાત નથી. પરંતુ મોટા ભાગની બેંકના વોલેટમાં વધુમાં વધુ રૂપિયા એક લાખ સુધીનું બેલેન્સ રાખી શકાય છે.

ડિજિટલ વોલેટ્સમાંથી એક દિવસમાં વધુમાં વધુ ૨૦ વાર રકમ ટ્રાન્સફર કરી શકાય છે તથા વધુમાં વધુ રૂપિયા પચાસ હજાર સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાય છે. ભારતમાં ડિજિટલ રૂપી વ્યવસ્થા ઘણા સમયથી લોન્ચ થઈ ગઈ છે પરંતુ લગભગ બધા જ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેકશન એકદમ સગવડભરી રીતે ઉપલબ્ધ હોવાથી તથા યુપીઆઇ વ્યવસ્થાની સૌને ફાવટ આવી ગઈ હોવાથી યુપીઆઇની સરખામણીમાં ડિજિટલ વોલેટ ખાસ પોપ્યુલર થયા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!