
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ સોમવારે તેની બેઠકમાં ઘણા ઐતિહાસિક અને સભ્ય-મૈત્રીપૂર્ણ નિર્ણયો લીધા છે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આ બેઠકમાં EPF આંશિક ઉપાડના નિયમોમાં સરળતા, “વિશ્વાસ યોજના”ની શરૂઆત અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (EPFO 3.0) સહિત અનેક મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા. નોંધનીય છે કે, આ નિર્ણયોથી 7 કરોડથી વધુ EPFO ખાતાધારકોને ફાયદો થવાની અપેક્ષા છે.

હેવ 100% સુધી આંશિક ઉપાડ સંભવ
EPFO બોર્ડે પ્રોવિડન્ટ ફંડ (EPF)માંથી આંશિક ઉપાડ માટેની જોગવાઈઓને સરળ અને ઉદાર બનાવી છે. હવે સભ્યો તેમના ખાતામાં રહેલા બેલેન્સ (કર્મચારી અને નોકરીદાતા બન્નેના યોગદાન)ના 100% સુધી ઉપાડી શકશે. અગાઉ, આંશિક ઉપાડ માટે 13 અલગ અને જટિલ જોગવાઈઓ હતી,

જેને હવે ત્રણ મુખ્ય કેટેગરીઓમાં સંકલિત કરવામાં આવી છે. 1. આવશ્યક જરૂરિયાતો: બીમારી, શિક્ષણ, લગ્ન, વગેરે, 2. રહેઠાણની જરૂરિયાતો અને 3. ખાસ પરિસ્થિતિઓ. આનો અર્થ એ છે કે, EPFO સભ્યોને હવે ખાસ સંજોગો (જેમ કે કુદરતી આફતો, લોકડાઉન, રોગચાળો વગેરે) હેઠળ ઉપાડ માટે કોઈ કારણ આપવાની જરૂર રહેશે નહીં.

ઉપાડ મર્યાદા અને સેવા અવધિમાં પણ રાહત
શિક્ષણ અને લગ્ન માટે ઉપાડ મર્યાદા અનુક્રમે 10 ગણી અને 5 ગણી કરવામાં આવી છે. (અગાઉ, ફક્ત 3 વખત આંશિક ઉપાડની મંજૂરી હતી.) તમામ પ્રકારના આંશિક ઉપાડ માટે લઘુત્તમ સેવા અવધિ હવે ઘટાડીને માત્ર 12 મહિના કરવામાં આવી છે.

25% લઘુત્તમ બેલેન્સ નિયમ લાગુ
EPFOએ એક નવી જોગવાઈ ઉમેરી છે, જેમાં સભ્યોએ તેમના ખાતામાં તેમના કુલ યોગદાનના 25% લઘુત્તમ બેલેન્સ જાળવવાનું ફરજિયાત છે. આનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સભ્યો ઊંચા વ્યાજ દરો (હાલમાં 8.25%) અને ચક્રવૃદ્ધિના લાભોનો આનંદ માણતી વખતે નિવૃત્તિ માટે પૂરતું ભંડોળ એકઠું કરી શકે.

ઉપાડ પ્રક્રિયા અને દસ્તાવેજીકરણમાં સુધારા
નવા નિયમો હેઠળ આંશિક ઉપાડ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વચાલિત બનાવવામા આવશે. હવે સભ્યોને કોઈ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં અને દાવાઓ ઝડપથી ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવશે. સાથે જ અંતિમ સમાધાન સમયગાળો સુધારવામાં આવ્યો છે.

– EPF અંતિમ ઉપાડ: 2 મહિનાથી વધારીને 12 મહિના, – પેન્શન અંતિમ ઉપાડ: 2 મહિનાથી વધારીને 36 મહિના


















