
ગુજરાતમાં એકતરફ દિવાળી અને નવા વર્ષને આડે હવે માત્ર ગણ્યા ખરા દિવસો છે, બીજી તરફ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એક વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં નવરાત્રિ બાદ હવે દિવાળી પણ મેઘરાજા બગાડશે.

અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન મુજબ 18થી 28 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. મધ્ય અને ઉત્તર ભારતમા વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. નવેમ્બરમાં મોટુ સાયક્લોન સર્જાય તેવી અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. 20 ડિસેમ્બર બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે અને આ ઠંડી 20 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે દરિયાખેડુઓને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ ચેતવણી આપી છે. તોફાની પવનો અને વરસાદને કારણે દરિયામાં ભારે કરંટ રહેવાની શક્યતા છે. બેમોસમી વરસાદ હંમેશા ખેડૂતો માટે આફત લઈને આવે છે. આ આગાહીને પગલે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વરસાદના કારણે ખેતરોમાં તૈયાર થઈ ગયેલા મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થવાની સંભાવના છે. જો લણણીના સમયે વરસાદ આવે તો મગફળીનો પાક જમીનમાં જ સડી જવાની કે ગુણવત્તા બગડી જવાની ભીતિ રહે છે. ઉલ્લેખનીય છે કે, અંબાલાલ પટેલની આ આગાહી સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતમાંથી હજી ચોમાસાની સંપૂર્ણ વિદાય થઈ નથી.




















