
છેલ્લાં આશરે પાંચેક વર્ષથી દ્વારકા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાની રાજ્ય સરકાર દ્વારા ચાલતી મોજણીની કામગીરીનો અંત આવી રહ્યાના અહેવાલો મળી રહયા છે. દ્વારકાના પ્રવાસન ક્ષેત્રને બુસ્ટ આપવા અને ઔદ્યોગિક તેમજ પશ્ચિમ કાંઠાના સરહદી વિસ્તારને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવાનું લક્ષ્ય ગુજરાત અને કેન્દ્ર સરકારે બનાવ્યું છે.
ત્યારે અગાઉ દ્વારકા તાલુકાના ધ્રેવાડ તેમજ મોજપ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જમીનોના સર્વે થયા હતા. પરંતુ ભૌગોલિક સહિત અનેક વિષમતાઓને કારણે આ સરવે પર બ્રેક લાગી ગઈ હતી. બાદમાં છેલ્લા એકાદ વર્ષથી એરપોર્ટ માટે વિવિધ પાસાઓ તપાસીને સરકાર દ્વારા તાલુકાના ગઢેચી, કલ્યાણપુર, મેવાસા અને વસઈ એમ ચાર ગામોને જોડીને અંદાજિત 800 એકર જમીન ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિવિધ સુવિધાભરનું એરપોર્ટ બનાવવા માટેની જગ્યા સુનિશ્ચિત કરાઈ હોવાનું જાણવા મળે છે.

ઉપરોકત સરવેની કામગીરી હાથ ધરવા અંગે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલી માહિતી મુજબ ખેતીની જમીનના સર્વે નંબરોની સ્થળ ખરાઈ અને માપણી શીટ સહિતની સંપાદનની કામગીરી કરવા સબબની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા શિવરાજપુર બીચ, બેટ દ્વારકા અને નાગેશ્વર જયોતિર્લિંગ જેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળને વિકસાવવા માટે છેલ્લા પાંચેક વર્ષથી રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત કટિબધ્ધ બની છે અને છેલ્લા બે વર્ષથી ઉપરોકત ધાર્મિક અને પ્રવાસન સ્થળોને કોરીડોરના માધ્યમથી જોડીને સમગ્ર સ્થળોનો પાયાથી સાધન સુવિધાભર વિકાસ થાય અને દ્વારકા ક્ષેત્રના લોકોને રોજગારીની તકો ઉભી થાય તેમજ દ્વારકા પ્રવાસન તથા તીર્થ ધામ સમગ્ર વિશ્વમાં પ્રવાસન ક્ષેત્રે અપ્રતિમ વિકાસ સાધે તેવી નેમ સાથે પ્રયાસો હાથ ધરાઈ રહયા છે.

ત્યારે દ્વારકાની આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટની દિશા તરફ થતી કામગીરીથી દ્વારકા ક્ષેત્રમાં પણ ઉત્સાહ સાથે આનંદની લાગણી પ્રસરી છે. અત્રે એ પણ નોંધનીય છે કે દ્વારકા વિસ્તારમાં મીઠા ઉદ્યોગનો ટાટા કેમિકલ્સ કંપની, આરએસપીએલ કંપની અને માછીમારી ઉદ્યોગ સાથે ઓખા પોર્ટ પણ આર્થિક ક્ષેત્રે ઉદ્યોગનું એક મહત્વનું માધ્યમ છે. ત્યારે કોરોનાના સમય બાદ ધાર્મિક ક્ષેત્રે પણ ભગવાન દ્વારકાધીશ પ્રત્યે દેશ-વિદેશમાં ભક્તોની આસ્થા વધી હોય, જેથી પણ પ્રવાસન ઉદ્યોગ વેગવંતો બન્યો છે.

આ ઉપરાંત દ્વારકાનો સમુદ્ર કિનારો ભારત પાકિસ્તાનની સીમાઓ પર આવેલો હોય, જેથી સરહદી વિસ્તારને લઈને પણ નવનિર્માણથી થનાર એરપોર્ટની સુવિધા એ રીતે પણ ઉપયોગી બની રહેશે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.




