ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. મોરબી જિલ્લામાં મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી-૨૦૨૫ માં મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાન પૂર્ણ થવા માટે નિયત કરેલ સમય સાથે પૂરા થતા ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાન તારીખ ૨૨/૦૬/૨૦૨૫ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી થનાર છે તેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે ૨૦/૦૬/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી, IAS દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં તારીખ ૨૦/૦૬/૨૦૨૫ ના સાંજના ૦૬:૦૦ કલાકથી ચૂંટણી સંબંધમાં કોઈ જાહેર સભા બોલાવશે નહીં /યોજશે નહીં /સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં.

સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન એલઇડી અથવા આવા અન્ય સાધનોની સાહિત્ય ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થિયેટરનો કાર્યક્રમ કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમૂહ ભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરિણામ પર અસર કરે તેવા ઈરાદા વાળી કોઈ પ્રવૃત્તિ કરશે નહીં. આ હુકમનો ભંગ ભારતીય ન્યાય સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થશે..
























