પાસ – એસપીજીના જુના નેતાઓ દ્વારા આજે ગાંધીનગરમાં પાટીદાર સમાજની ચિંતન શિબિર
ગુજરાત વિધાન સભાની 2017ની ચુંટણી અને 2022ની ચુંટણી અને 2025ની સ્થીતિમાં શું ફેરફાર છે.? જમીન આસામનાનો તફાવત છે. 2017ની ચુંટણીના પરિણામો બાદ ભારતિય જનતા પાર્ટીને 99 બેઠક મળી હતી. બે આંકડામાં ભાજપ સમેટાઇ ગયો હતો.

જયારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી. 182 કુલ બેઠકમાંથી સતાધારી ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચે માત્ર 22 બેઠકનો તફાવત રહી ગયો હતો. 2022માં ભાજપે આ સ્થીતિ સુધારી નાંખી છે. આજે 2025માં તો ભારતિય જનતા પાર્ટી પાસે 182ના ગૃહમાં 156 ધારાસભ્યોની ધીંગી બહુમતી છે.

ગુજરાતના રાજકારણમાં છેલ્લા દસ વર્ષમાં કોઇ મોટો ધરાતલ ફેરફાર નથી થયો. 2017ની ચુંટણીમાં ભાજપનો થોડો રકાસ થયો તેના પાછળ પાટીદાર અનામત આંદોલન હતું. 2027ની ચુંટણી સામાન્ય લોકોને હજુ એમ લાગે કે દુર છે. પરંતુ દુરનું દેખતા રાજકિય પક્ષો અને પરિબળોએ અત્યારથી જ ચુંટણીની શતરંજ ગોઠવવાની શરૂઆત કરી દીધી છે.

ગુજરાતમાં ફરી એક વખત પાટીદાર અનામત આંદોલનના ભુતપૂર્વ નેતાઓ સક્રિય થયા છે. આજે ગાંધીનગરમાં પાટીદાર સમાજના આ નેતાઓની ચિંતન બેઠક છે. આ બેઠકમાં પાટીદાર સમાજના પ્રશ્નો અંગે ચિંતન થશે. જો કે જુના નેતાઓ નવા મુદાઓની ચર્ચા કરશે.

સીધી રીતે કોઇ પણ સમાજને તેના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાની લોકશાહિમાં છુટ છે. પરંતુ આ ટાઇમીંગ અને એજન્ડાના આંતરપ્રવાહોના સિગ્નલ કહે છે કે, ગુજરાતમાં 20ર7ની ચુંટણીની પૂર્વ તૈયારી પડદા પાછળ થવા માડી છે.

પાટીદાર ચિંતન શિબિર
ગાંધીનગરમાં આજે યોજાઇ રહેલી ચિંતન પાટીદાર ચિંતન શિબિરમાં પાટીદાર સમાજના અનેક નેતાઓ હાજર રહેવાના છે. સૌથી નોંધનિય બાબત એ છે કે, તેમાં 2017ની ચુંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ અને એસપીજીના નેતાઓ એકજુટ થઇને હાજર રહેશે.

નેતાઓની યાદિ ઉપર એક નજર નાંખીએ તો અલ્પેશ કથિરિયા (સુરત) દિનેશ બાંભણિયા (ગાંધીનગર) વરુણ પટેલ(અમદાવાદ) મનોજ પનારા(મોરબી) ગીતાબેન પટેલ(અમદાવાદ) ધર્મેન્દ્ર પટેલ (કલોલ) વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ 2017 પૂર્વેના પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયા છે.

ચિંતન શિબિરના મુદાઓ
પાટીદાર સમાજના જુના નવા નેતાઓએ ગાંધીનગરમાં આજે જે ચિંતન શિબિર યોજી છે તેમાં મુદાઓ જોઇએ તો અમરેલી,ગોંડલમાં બનેલા બનાવમાં પાટીદાર સમાજમાં પ્રવર્તતી લાગણીની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાંક નવા મુદા છે. જેમાં પાટીદાર સમાજની દિકરીઓ અન્ય સમાજના લોકો સાથે લગ્ન કરી લ્યે છે.

એવા સંજોગોમાં તેમના વાલીઓની સહિ આવશ્યક બનાવવા કાયદામાં સુધારો લાવવા બાબતે પણ ચર્ચા થશે. જો કે આ મુદો તમામ સમાજને લાગુ પડતો હોવાથી આ બાબતે સર્વ સમાજનો પણ સમાવેશ કરવા મન ખુલ્લુ હોવાનું પાટીદાર નેતાઓએ જણાવ્યુ છે. આ ઉપરાંત ઓનલાઇન ગેમીંગમાં યુવાનો પૈસા ગુમાવે છે. ઓનલાઇન ગેમીંગ બંધ કરાવવા પણ સરકારને રજુઆત કરવામાં આવશે.

કોર્ટમા પણ મામલો લઇ જવા તૈયારી
પાટીદાર સમાજને સ્પર્શતો એક મામલો પાટીદાર અનામત આંદોલનના એક ભુતપૂર્વ નેતા દ્વારા કોર્ટમાં લઇ જવાયો છે. જેનું હિયરીંગ નજીકના દિવસોમા જ આવશે. આ બાબત પણ ભીતરના પ્રવાહો દર્શાવે છે. આ મુદાઓ સપાટી ઉપર આવશે ત્યારે પાટીદાર સમાજમાંથી તેને વ્યાપક સમર્થન મળે એવી વ્યુહરચના તેમાં હોઇ શકે. ગોંડલ અને અમરેલીનો મુદો પાટીદાર સમાજમાં આજે પણ સંવેદનશીલતા ધરાવે છે.

હાર્દિક પટેલ,ગોપાલ ઇટાલિયા જોડાશે ?
2017ના પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ પાસ આંદોલન સંકેલાઇ ગયા બાદ ભાજપમાં જોડાઇ ગયેલ. આજે હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય પણ બની ગયા છે. ફરી વખત તે આ આંદલનમાં શું સ્ટેન્ડ બનાવે છે તે મોટો સવાલ છે.

જો કે, દિનેશ બાંભણિયાએ કહયુ કે ચિંતન શિબિરીમાં એક વખત પાટીદાર સમાજના પ્રશ્નોનું પીંડ બંધાય બાદ અમે હાર્દિક પટેલ અન ગોપાલ પટેલને મળવા રૂબરૂ જશુ. આજની ચિંતન શિબિરમાં આ નેતાઓ નહિ જોડાય. જો કે પાટીદાર નેતાઓએ કહયુ છે કે તેઓ અન્ય પાટીદાર ધારાસભ્યોને,પ્રધાનોને પણ અમે મળશે. પાટીદાર સમાજના પ્રશ્નો અંગે રજુઆત કરી તેમનું સમર્થન મેળવીશુ.

સુરત ફરી એક વખત એપી સેન્ટર
2017ની વિધાનસભાની ચુંટણીનું એપી સેન્ટર સુરત હતું. સુરતનું મુળ સૌરાષ્ટ્રમાં નિકળે છે. એટલે તેના આફટર શોક સૌરાષ્ટ્રમાં જોવા મળ્યા હતાં. આ આંદોલનને કારણે ભાજપને વિધાન સભાની ચુંટણીમાં ભારે ફટકો પડયો હતો. હવે ફરી વખત સુરતથી જ પાટીદાર સમાજની ચિંતન શિબિરનું વિચાર બીજ આવ્યુ છે. આવા સંજોગોમાં આ ચિંતન શિબિર આગળ જતાં કોઇ આંદોલનનું સ્વરૂપ લ્યે છે કે તેનું બાળ મરણ થઇ જાય છે તે જોવાનું રહયુ .

2017ના પાટીદાર અનામત આંદોલનનું સરવૈયુ
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન 201પના જુલાઇ મહિનામાં શરૂ થયુ હતું.(હાલમાં જુન મહિનો ચાલે છે અને 20ર7ની વિધાન સભાની ચુંટણીને લગભગ એટલો જ સમય બાકી છે. મહાનગરપાલિકાની ચુંટણીઓ તો વર્ષાંતે જ આવશે.) જેમાં મુખ્ય માગણી પાટીદાર સમાજને આરક્ષણ આપવાની હતી.આ આંદોલન સમાપ્ત થયુ ત્યાં સુધીમા સતાવાર મૃત્યઆંક 1ર વ્યકિતનો થયો હતો.203 પોલીસ ઘાયલ થયા હતાં.

જયારે ર7 નાગરિકોને ઇજા થઇ હતી.(સરકારે કેટલા સંયમથી કામ લીધુ હશે ? સામાન્ય રીતે આંદોલનને અંકુશમાં લેતી વખતે સુરક્ષા જવાનોની તુલનાએ નાગરિકોને વધુ ઇજા થતી હોય છે. ) પાટીદાર આંદોલન દરમિયાન ગુજરાતમાં એસટી બસો અને અન્ય મળીને કુલ 200 વાહનો સળગાવાયા હતાં. ટ્રેન વ્યહવાર અટકાવવા પાટાઓને નુકસાન કરાયુ હતું.

પોલીસ વિભાગ દ્વારા નોંધાયેલી ફરીયાદોમાં 200 કરોડનું નુકસાન થયુ હતું. જયારે અમદાવાદમાં 12 કરોડની જાહેર સંપતિને નુકસાન થયુ હતું.રાજકોટમાં 1.40 કરોડનું નુકસાન થયુ હતું. ઓછામાં ઓછા 650 આંદોલનકારોની ધરપકડ થઇ હતી. જેમાંથી 156ને છોડી દેવાયા હતાં. 438 આંદોલનકારો સામે કેસ થયા હતાં. સરકારે 391 કેસ પાછા ખેંચી લીધા હતાં. જેમાં હાર્દિક પટેલ સહિતના નેતાઓનો પણ સમાવેશ થાય છે.

ચિંતન શિબિર ચિંતા શિબિર બની જવાની ચિંતા
ગુજરાતમાં પાટીદાર સમાજનું ખુબ પ્રભુત્વ છે. આ સમાજ દ્વારા કોઇ પણ બાબતે સંગઠીત રજુઆત કરવામાં આવે ત્યારે સરકાર પણ તેને ગંભીરતા પૂર્વક લ્યે છે. આથી પાટીદાર સમાજની ચિંતન શિબિર ભવિષ્યમાં આંદોલનનું સ્વરૂપ ન લ્યે એ સરકારની અને ભારતિય જનતા પાર્ટીની ચિંતા હશે.

વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો વિજય અને બોટાદમાં ઉમેશ મકવાણાની આપમાંથી હકાલપટ્ટીની ઘટના, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી શકિતસિંહ ગોહિલના રાજીનામા બાદ યોજાયેલી પાટિદાર સમાજની ચિંતન શિબિરને રાજકિય નિરિક્ષકો ગંભીરતાથી જુએ છે. 2027ની ચુંટણીની ચોપાટ ગુજરાતમાં અત્યારથી ગોઠવવામાં આવી રહી હોવાની પણ કેટલાંક રાજકિય નેતાઓને આશંકા છે.












