
ગુજરાત, આંધ્રપ્રદેશ, બિહાર સહિતના રાજયોનો દાખલો આપી અન્ય રાજયોને પ્રેરણા લેવા કેન્દ્રે સલાહ આપી
એલપીજીની ઉપલબ્ધતાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર કેન્દ્ર સરકાર સખ્ત બની છે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે બધા રાજયો અને કેન્દ્રશાસિત રાજયોના મુખ્ય સચિવોને પત્ર લખીને કહ્યું છે કે માત્ર 17 રાજયો- કેન્દ્રશાસિત પ્રદેશો જ આ મામલે નિયમીત પ્રેસ બ્રીફીંગ કરી રહ્યા છે, જે પરિસ્થિતિ સંભાળવા માટે પર્યાપ્ત નથી.

પેટ્રોલીયમ સચિવ નીરજ મિત્તલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે કેટલાક ક્ષેત્રોમાં હજુ પણ અફવાઓ અને ખોટી જાણકારી ફેલાઈ રહી છે, જેથી લોકોમાં બિનજરૂરી ડર ફેલાઈ રહ્યો છે અને અનેક જગ્યાએ ગભરાટમાં ખરીદી જોવા મળી રહી છે. મંત્રાલય રાજયોને અપીલ કરી છે કે તેઓ કોમ્યુનિકેશન વ્યવસ્થા મજબૂત કરે જેથી સ્થિતિ સામાન્ય જળવાઈ રહે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, ઓરીસ્સા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ, જેવા રાજયો નિયમિત પ્રેસ બ્રિફીંગ કરી રહ્યા છે કેન્દ્રે બાકી રાજયોને પણ તરત આ પ્રકારના પગલા ઉઠાવવાનું કહ્યું છે.

મંત્રાલયે બાકી રાજયોને સલાહ આપી છે કે દરરોજ પ્રેસ બ્રીફીંગ કરવામાં આવે અને સોશિયલ અને ઈલેકટ્રોનિક મીડિયાથી સાચી અને સમયસર જાણકારી આપવામાં આવે, જેથી અફવા પર રોક લાગે. આ ઉપરાંત સંઘરાખોરી અને કાળાબજાર પર પણ સખ્ત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.














