મોરબી: મોરબી મહાનગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા ફાયર ફાઈટીંગ માટે ૨ ટર્ન ટેબલ લેડર વેહિકલ ફાળવવામાં આવી છે. તા. ૧૮/૦૬/૨૦૨૫ના રોજ આ વાહન મોરબી મહાનગરપાલિકાને હસ્તાંતરિત કરવામાં આવ્યું છે. આ નવા સાધનના સમાવેશે મહાનગરપાલિકાની અગ્નિશામન સુવિધાઓને વધુ સક્ષમ અને ઝડપી બનાવશે.

આ ટેબલ લેડર વાન એક પ્રકારનું ફાયર ફાઈટીંગ વાહન છે, જે ઉંચી ઇમારતોમાં આગ બૂઝાવવાનું કાર્ય કરે છે. તેમાં રોટેટિંગ પ્લેટફોર્મ હોય છે, જેના ઉપર લેડર લગાવવામાં આવે છે. અંદાજે ૨૧ મીટરની લંબાઈ ધરાવતું આ લેડર લગભગ ૮ માળ જેટલી ઊંચાઈ સુધી પહોંચવામાં સક્ષમ છે.

આ વાહનમાં ૩૫૦ લીટરની વોટર ટેન્ક અને બે હાઈ પ્રેશર ફાયર ફાઈટિંગ લાઈનો સાથેથી આગ બુઝાવવાનું કાર્ય સુસજ્જ રીતે કરવામાં આવી શકે છે. લેડર સાથે સુરક્ષિત રીતે લોકોના રેસ્ક્યુ માટે લોડ ક્ષમતા પણ ઉપલબ્ધ છે. આ વાહનનો ઉપયોગ મોનિટર અથવા પંપ સપોર્ટેડ નોઝલ દ્વારા પાણીના જોરદાર પ્રવાહ માટે પણ થઈ શકે છે.

આ પ્રકારનું આધુનિક વાહન ખાસ કરીને ઉંચી ઇમારતોમાં લાગેલી આગ સામે કામ કરવા, ફસાયેલા લોકોને બહાર લાવવા અને ગીચ વિસ્તારોમાં સરળતાથી પાણી છાંટવા માટે ઉપયોગી છે. તેનું નિયંત્રણ હાઇડ્રોલિક સિસ્ટમથી કરવામાં આવે છે, જેથી વધુ અસરકારક કામગીરી શક્ય બને છે.

અગ્નિશામક વિભાગે જાહેરને અપીલ કરી છે કે કોઈ પણ ઇમરજન્સી ઘટનામાં તરત મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને ૦૨૮૨૨-૨૩૦૫૫૦ અથવા ૧૦૧ ઉપર સંપર્ક કરવા.

























