
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ફ્રી ટ્રેડ (મુક્ત વેપાર) અંગેની ચર્ચા પૂર્ણ થવાથી અને ભારત-અમેરિકા વચ્ચે થયેલાં અંતરિમ વેપાર કરારની આવનારાં વર્ષોમાં મોટી અસર જોવા મળશે. શુક્રવારે જાહેર કરાયેલાં રિઝર્વ બેંકના બુલેટિન મુજબ, આ કરારોના કારણે ભારતીય માલને વિદેશી બજારો સુધી પહોંચ સરળ બનશે અને વિશ્વભરમાં ભારતનો એક્સપોર્ટ (નિકાસ) વધુ મજબૂત બનશે.
રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બુલેટિનના આ લેખમાં વ્યક્ત કરાયેલા વિચારો લેખકોના પોતાના છે. તેને RBIનો સત્તાવાર દૃષ્ટિકોણ માનવો નહીં. ફેબ્રુઆરીના બુલેટિનમાં ‘અર્થવ્યવસ્થાની સ્થિતિ’ નામે પ્રકાશિત લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનું ભવિષ્ય હાલ ખૂબ સકારાત્મક દેખાઈ રહ્યું છે. દેશમાં વધતી ખપત, રોકાણ અને સુધારાઓને કારણે આર્થિક વિકાસની ઝડપી ગતિ આગળ પણ જળવાઈ રહેશે.
બુલેટિન મુજબ, જાન્યુઆરીના અંત સુધી ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે ચર્ચા પૂર્ણ થવી અને ત્યારબાદ ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર થવો ખૂબ મહત્વપૂર્ણ છે. આથી માત્ર ભારતીય કંપનીઓ માટે નવા બજારો ખુલશે જ નહીં, પરંતુ તેઓ વૈશ્વિક સપ્લાઈ ચેઇનનો મજબૂત ભાગ પણ બની શકશે. આ કરારોની તાત્કાલિક અસર તરીકે રોકાણકારોના દૃષ્ટિકોણમાં બદલાવ આવ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ ફેબ્રુઆરીમાં ફરીથી ભારતના ઇક્વિટી અને ડેટ માર્કેટમાં વાપસી કરીને રોકાણ શરૂ કર્યું છે.
વ્યાજ દરોમાં ફેરફાર કરવાની જરૂર નથી : RBI :-
રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાનું માનવું છે કે દેશની મજબૂત આર્થિક ગતિ અને નિયંત્રણમાં રહેલી મોંઘવારીને ધ્યાનમાં લેતાં હાલનાં વ્યાજ દરો યોગ્ય છે. શુક્રવારે જાહેર થયેલાં મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકની વિગતો મુજબ, ગવર્નરે આ મહિનાની શરૂઆતમાં વ્યાજ દરોને યથાવત રાખવાના પક્ષમાં મત આપ્યો હતો. RBIએ 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન થયેલી બેઠક બાદ રેપો રેટને 5.25 ટકા પર જ યથાવત રાખ્યો હતો. રેપો એ દર છે જેના પર RBI બેંકોને લોન આપે છે. મલ્હોત્રાએ દલીલ કરી કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે.



























