
મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે બંધ કરવા પડે તેવી પરિસિ્થતિનું નિર્માણ થયું અને છેલ્લા દિવસોમાં ઘણા બધા સિરામિકના કારખાના બંધ થઈ ગયા છે તેવામાં આજે મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અંદાજે 500 જેટલા સીરામીકના કારખાનેદારો હાજર રહ્યા હતા અને ગેસની અછત અને તેનો ભાવ નિશ્ચિત ન હોવાના કારણે સિરામિક કારખાનાઓને આગામી એક માસ સુધી બંધ કરવાનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા આ બેઠકમા સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવેલ છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સિરામિક કારખાનાઓમાં પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડફ્ટનું ઉત્પાદન કરવામાં આવે છે જોકે છેલ્લા 15 દિવસથી પ્રોપેન ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે જેથી કરીને ક્રમશઃ ધીમે ધીમે કરતા પહેલા 200 જેટલા કારખાના બંધ થઈ ગયા હતા.

છેલ્લા બે થી ત્રણ દિવસમાં વધુ 50 જેટલા કારખાના બંધ થયા છે આમ 250 જેટલા સિરામિકના કારખાના બંધ થઈ ગયા છે તેવી માહિતી મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ આપેલ છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે અને ત્યાં લગભગ 650 જેટલા સીરામીકના કારખાનાઓ ધમધમતા હોય છે અને 24 કલાક સિરામિક ટાઇલ્સનું પ્રોડક્શન થતું હોય છે જોકે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને છેલ્લા લગભગ 15 દિવસથી નિયમિત રીતે પ્રોપેન ગેસ મળતો નથી.

નેચરલ ગેસ પણ માસિક વપરાશના જથ્થા સામે 80 ટકા આપવાની વાત હતી તે પણ મોટાભાગના ઉદ્યોગકારોને વપરાઈ ગયો હોવાથી કેટલાક કારખાનાઓ બંધ થઈ ગયા છે અને આગામી દિવસોમાં બાકીના કારખાનાઓમાં બંધ થાય તેવી શક્યતાઓ છે જેથી આજે મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે જુદાજુદા ચારે ડિવિઝનના પ્રમુખની આગેવાની હેઠળ ઉદ્યોગોકારોની બેઠકનું આયોજન કર્યું હતું.

જેમાં 500 જેટલા સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા અને આ બેઠકની અંદર ખાસ કરીને મોરબીના સિરામિક ઉપયોગમાં ઇંધણ તરીકે જે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે આ બંને ગેસની હાલમાં અછત હોવાથી અને તેના ભાવ પણ નિશ્ચિત ન હોવાથી ઉદ્યોગ ચાલુ રાખવો શક્ય નથી માટે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ સામૂહિક રીતે એક મહિના સુધી મોરબીના સિરામિક ઉદ્યોગને સદંતર બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ત્યારબાદ જ્યારે ગેસ પૂર્વવત થશે અને તેના ભાવ નિશ્ચિત થાય ત્યારબાદ સીરામીક પ્રોડક્ટના નવા ભાવ સાથે સીરામીક નું ઉત્પાદન શરૂ કરવામાં આવશે તેવું હાલમાં પ્રમુખ મનોજભાઈ એરવાડિયા પાસેથી જાણવા મળ્યું છે.

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીકના કારખાનામાં ગેસ ન મળવાના કારણે કારખાના ધડાધડ બંધ થઈ રહ્યા છે તેવી જ રીતે પેપર મિલ અને પોલિપેકના કારખાના પણ બંધ રહ્યા છે જેથી શ્રમિકોની રોજગારી છીનવાઈ રહી છે અને શ્રમિકોને હવે રોજગાર ન મળવાના કારણે તેઓ પોતાના વતન તરફ જવા લાગ્યા છે.

મોરબી જિલ્લાના વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતેથી એમપી, બિહાર, રાજસ્થાન વિગરે જેવા સ્ટેટમાં જોવા માટે હાલમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે અને મુસાફરો ટિકિટ લેવા માટે તેને કલાકો સુધી લાઈનમાં ઊભા રહે ત્યાર પછી તેઓને પોતાના વતનમાં જવા માટેની ટિકિટો મળે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

ગેસના અભાવના કારણે ઠપ થઈ ગયો છે જેથી મોરબીમાં લાખો શ્રમિકોની રોજગારી છીનવાઈ ગઈ છે અને અનેક ધંધા રોજગારને હાલમાં ઈરાન અને ઈઝરાયેલના યુદ્ધની અસરના ભાગરૂપે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે હાલમાં રોજગાર ન મળવાના કારણે જે શ્રમિકો પોતાના વતન ભાગી રહ્યા છે તે હવે આગામી સમયમાં ક્યારે પાછા મોરબીમાં આવશે અને ક્યારે મોરબીમાં તે લોકોને રોજગાર મળશે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.




