
ગિરનારની લીલી પરિક્રમા શરૂ થશે કે નહીં તે અંગે હજી નિર્ણય લેવાયો નથી. કારણ કે, કમોસમી વરસાદથી 36 કિમીના રૂટ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે. લાખો ભાવિકો-સેવાભાવી સંસ્થાઓ અસમંજસમાં છે. લીલી પરિક્રમા અંગે આવતીકાલે અંતિમ નિર્ણય લેવાશે.

કલેક્ટરે ખરાબ રસ્તાના વીડિયો જાહેર કર્યા
જુનાગઢની લીલી પરિક્રમા અંગે કલેક્ટર અનુલકિમાર રાણાવાસીયાએ લીલી પરિક્રમાના રસ્તાની સ્થિતિ દર્શાવતા વીડિયો ટ્વિટ કર્યા છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ સુરક્ષા હેતુ વૃદ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવા અપીલ કરી ચૂક્યા છે. જ્યાં સુધી તંત્ર તરફથી સૂચના ન મળે ત્યાં સુધી પરિક્રમા રૂટ પર પ્રવેશ ન કરવાની પણ અપીલ કરી ચૂક્યા છે.

વૃધ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવા અપીલ
હાલ કમોસમી વરસાદને કારણે પરીક્રમા રૂટના રસ્તાનું ધોવાણ થયું છે. હાલ જંગલના રસ્તા પર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. રસ્તા પર અતિશય કીચડ થઈ ગયો હોવાથી વાહનો ફસાઈ શકે છે. અન્નક્ષેત્ર અને ઉતારા મંડળને હાલ જંગલમાં પ્રવેશ પર મનાઈ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા જોગ અપીલ કરાઈ છે. જ્યાં સુધી તંત્ર તરફથી સૂચના ન મળે ત્યાં સુધી પરિક્રમા રૂટ પર પ્રવેશ કરવો નહીં. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ સુરક્ષા હેતુ વૃધ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવા અપીલ કરી છે.

આવતીકાલે પરિક્રમા અંગે નિર્ણય લેવાશે
હાલ પરીક્રમા રૂટના રસ્તા પર કીચડ હોય પ્રવેશબંધી કરવામાં આવી છે. આ અંગે આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ વાતાવરણ અનુકુળ હશે તો તંત્ર પરિક્રમા અંગે નિર્ણય લેવાશે. વરસાદે વિરામ લીધા બાદ તડકો નીકળશે એટલે તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી હાથ ધરાશે.

આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ચાર દિવસીય પરિક્રમામાં શ્રદ્ધાળુઓને પૂરતી સુખ-સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

સમય પહેલા પહોંચીને કોઈ ભીડ ન કરે
ભવનાથના સંત ઇન્દ્રભારતી બાપુએ આ બેઠક બાદ ખાસ કરીને પરિક્રમાર્થીઓને અપીલ કરી હતી કે ચાર દિવસની પરિક્રમા આગામી 2 નવેમ્બરથી જ શરૂ થવાની છે, તેથી ભાવિકો 2 નવેમ્બરે જ પરિક્રમા શરૂ કરે અને અગાઉથી આવીને ભીડ ન કરે.

પરિક્રમામાં પ્લાસ્ટિક સાથે ન લાવવું
વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે ગિરનાર ક્ષેત્રમાં ઇકોઝોન લાગુ હોવાથી પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી માટે પરિક્રમામાં પ્લાસ્ટિક સાથે ન લાવવા વિનંતી કરાઈ છે. સાથે જ, ગીરનાર જંગલી વિસ્તાર હોવાથી કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે ભાવિકોને જાહેર કરાયેલા રૂટ પર જ પરિક્રમા કરવા ખાસ વિનંતી કરવામાં આવી છે. જૂનાગઢ વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ભાવિકોને પૂર્તિ સુખ-સુવિધા અને સલામતી પૂરી પાડવાનો છે.

















