
વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસના પગે પડતા જોવા મળ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે જે ફરિયાદ થઈ હતી તેને લઈને ગોપાલ ઇટાલિયા કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કાર્યકર્તાઓની સામે છેડતીના આરોપને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો કે ફરિયાદ ખોટી છે.

સાથે જ તેમણે પોલીસની સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. તેઓ જ્યારે પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે જ સમયે આપના કાર્યકર્તાઓ વાજતે ગાજતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. સાથે જ તેમની જોડે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે.

આ સિવાય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એવા આક્ષેપ કર્યા કે અનેકવાર મગફળી ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ કરવામાં આવી છે. આપ પ્રમુખને ફરિયાદ મળતા તેઓ પણ ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા. હવે તેમની સામે ખોટી ફરિયાદ કર્યાનો આક્ષેપ થઈ રહ્યા છે. જેથી આ મુદ્દો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જ્યારે મહિલા પીઆઈ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વાતચીત ચાલી રહી હતી. તે સમયે ગોપાલ ઇટાલિયાએ મહિલા પીઆઈના પગે પડીને પૂછ્યું કે કાર્યકર્તાઓએ છેડતી કેવી રીતે કરી હતી તે જણાવો. આ સમયે ત્યાં સ્થળ પર ઉભેલા અન્ય લોકોએ ગોપાલ ઇટાલિયાને સમર્થન આપ્યું હતું.













