
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે 28 નવેમ્બર, 2025ના રોજ ગોવાના પર્તગાલી સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠમાં ભગવાન શ્રીરામની વિશ્વની સૌથી ઊંચી 77 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન તૈયાર કરનારા પ્રખ્યાત મૂર્તિકાર રામ સુતારે જ આ મૂર્તિની ડિઝાઈન બનાવી છે.

PM મોદીના હસ્તે પ્રતિમાનું અનાવરણ
77 ફૂટની રામ ભગવાનની આ પ્રતિમા કાંસાંમાંથી બનાવાઈ છે. અનાવરણ પહેલા PM મોદીએ મઠમાં દર્શન કરી પૂજા પણ કરી હતી. નોંધનીય છે કે આ મઠ ભારતનાઆ સૌથી પૌરાણિક મઠમાંથી એક ગણાય છે. આ મઠનું સારસ્વત સમાજમાં પ્રમુખ સ્થાન છે. આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક યોગદાન માટે આ મઠ જાણીતું છે. પ્રતિમાના અનાવરણ બાદ PM મોદીએ કહ્યું, કે શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠે છેલ્લા 550 વર્ષમાં અનેક વાવાઝોડા જોયા. યુગ બદલાયો, સમાજ તથા દેશમાં અનેક પરિવર્તન આવ્યા પણ અનેક પડકારો વચ્ચે પણ આ મઠ પોતાની દિશાથી ભટક્યું નહીં.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું, કે આજે રામાયણ પર આધારિત થીમ પાર્કનું પણ લોકાર્પણ કરાયું છે. આગામી પેઢી માટે આ ધ્યાન, પ્રેરણા અને સાધના માટે કેન્દ્ર બનશે. જ્યારે ગોવામાં મંદિરો અને સ્થાનિક પરંપરાઓ પર સંકટ ઊભું થયું ત્યારે પણ તે પરિસ્થિતિઓમાં પણ સમાજનો આત્મા નબળો થયો નહીં.

ગોવાની વિશેષા રહી છે કે અહીંની સંસ્કૃતિએ પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખ્યું અને સમય સાથે પુનર્જીવિત પણ કરી. જેમાં આ મઠ જેવી સંસ્થાઓનું મોટું યોગદાન રહ્યું. અયોધ્યામાં રામ મંદિરની પુનઃસ્થાપના, કાશીમાં વિશ્વનાથ ધામનો પુનરોદ્ધાર, ઉજ્જૈનમાં મહાકાલ મહાલોકનો વિસ્તાર આપણાં રાષ્ટ્રની જાગરૂકતાને દર્શાવે છે.

નોંધનીય છે કે શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ગૌડ સારસ્વત બ્રાહ્મણ સમાજનો પ્રથમ વૈષ્ણવ મઠ ગણાય છે. જગદગુરુ માધવાચાર્યએ 13મી સદીમાં આ મઠની સ્થાપના કરી હતી.



