
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક અથવા અન્ય નાનાં બાંધકામ માટે જિલ્લાની ડીડીઓ કચેરી દ્વારા મંજૂરી ફરજીયાત કરવાના પરિપત્રને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં અસંતોષ ઉભો થયો છે. આ સંદર્ભમાં મોરબી જિલ્લા પંચાયતના અજયભાઉત્પાદન અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ અજયભાઇ લોરિયા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી , જિલ્લા પંચાયતના પ્રમુખ તથા તમામ જિલ્લા ધારાસભ્યો સમક્ષ તાત્કાલિક રજુઆત કરવામાં આવી છે.

અજયભાઈ લોરિયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય જીવન માટે થયેલા નાનાં બાંધકામ માટે આવી મંજૂરી ફરજીયાત કરવી અયોગ્ય છે. ખેડૂત અને સામાન્ય નાગરિક માટે બાંધકામ માટે જિલ્લા વિકાસ અધિકારી પાસેથી મંજૂરી લેવી મુશ્કેલ અને સમય બરબાદ કરનાર પ્રક્રિયા છે, જેના કારણે લોકોમાં અસંતોષ ઉભો થઇ રહ્યો છે.

તેમણે સરકાર સમક્ષ માંગ કરી છે કે, ડીડીઓ કચેરી દ્વારા ગ્રામ્ય બાંધકામ માટે મંજૂરી ફરજીયાત કરતો જે પરિપત્ર બહાર પડાયો છે તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે, જેથી ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને આરામદાયક અને અવરોધરહિત જીવનશૈલી માટે જરૂરી બાંધકામ કરવા સરળતા રહે.

અજયભાઇ લોરિયાની આ ત્વરિત અને લોકહિતની રજુઆતથી જિલ્લાવાસીઓમાં આશાની લાગણી પ્રસરી છે અને આશા વ્યક્ત કરવામાં આવી છે કે રાજ્ય સરકાર જલ્દી જ આ બાબતે યોગ્ય નિર્ણય લેતી થઈ લોકોને રાહત આપશે.

























