
મનરેગાનું નામ બદલીને તેને નવું રૂપ આપવાની કેન્દ્ર સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ગ્રામીણ રોજગાર માટે નવો કાયદો લાવવા માટેના બિલની નકલ લોકસભાના સભ્યોને સોંપવામાં આવી છે. જેમાં ‘વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) 2025’ નામનું નવું બિલ લાવી 125 દિવસ માટે રોજગારની કાનૂની ગેરંટી આપવાનો તખ્તો ઘડાયો છે.

‘જી રામ જી’ નામે નવી રોજગાર યોજના વિકસિત ભારત ગેરંટી રોજગાર અને આજીવિકા મિશન: VB G RAM G (વિકસિત ભારત- જી રામ જી) યોજના નવા બિલનો ઉદ્દેશ્ય
કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ(MGNREGA)ને રદ કરાવવા અને ગ્રામીણ રોજગાર માટે નવા કાયદાને પસાર કરવા બિલની નકલો લોકસભાના સભ્યોને આપી છે. આ નવા બિલનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસનો ઢાંચો પુન:સ્થાપિત કરી વિકસિત ભારત 2047ના લક્ષ્યને હાસંલ કરવાનો છે.

100 દિવસના બદલે 125 દિવસની રોજગારી
આ નવું બિલમાં ગ્રામીણ પરિવારને દરેક વર્ષે 125 દિવસ રોજગારીની બંધારણીય ગેરંટી આપે છે. આ પગલું ગ્રામીણ રોજગાર અને આજીવિકા સુરક્ષામાં એક મોટો નીતિગત પરિવર્તન લાવશે એવું કેન્દ્ર સરકારનું માનવું છે. મહત્ત્વનું છે કે મનરેગા અધિનિયમ ગ્રામીણ લોકોને 100 દિવસની રોજગારની ગેરંટી આપતો હતો.

ગુજરાતમાં મનરેગાના હેતુ સિદ્ધ થયો નહીં
વર્ષ 2005માં દેશમાં નેશનલ રૂરલ એમપ્લોયમેન્ટ ગેરંટી ઍક્ટનો અમલ થયો હતો. આ યોજના હેતુ એ હતો કે, ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને વર્ષમાં 100 દિવસ રોજગારી મળી રહે. મનરેગાના માઘ્યમથી રસ્તા, જળસરંક્ષણ, તળાવ ખોદકામ, બાગાયત અને સમુદાય વિકાસના કામો કરાવી ગરીબ મજૂરોને રોજીંદુ વેતન ચૂકવી રોજગારી અપાય છે. ગ્રામિણ વિસ્તારમાં સ્થળાંતર રોકવા માટે મનરેગા યોજનાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. જોકે, ગુજરાતમાં મનરેગા યોજના કમાણીની યોજના બની રહી છે કેમકે, મંત્રી પુત્રોથી માંડી ભ્રષ્ટ અધિકારીઓએ લાખો કરોડોની કટકી કરી છે. મનરેગાના કામો થયા વિના મળતિયાઓના લાખો કરોડો બારોબાર ચૂકવાયા છે. ગુજરાતમાં 100 દિવસ ગેરંટીથી રોજગાર આપવાનું વચન સરકાર પૂર્ણ કરી શકી નથી. ગુજરાતમાં આખાય વર્ષમાં ગરીબ મજૂરોને માત્ર 45થી માંડીને 49 દિવસ સુધી કામ અપાયું છે.

કયા રાજ્યમાં કેટલા દિવસ કામ અપાયું?
ખુદ કેન્દ્ર સરકારે એ સ્વીકાર્યું કે, ગરીબ મજૂરોને વધુ દિવસ કામ આપવામાં ગુજરાત કરતાં અન્ય રાજ્યો આગળ રહ્યા છે જેમકે, ત્રિપુરા જેવા નાના રાજયમાં પણ મજૂરોને વર્ષમાં 72 દિવસ કામ અપાયું હતું. મિઝોરમમાં 100 દિવસ પૈકી 92 દિવસ કામ આપવામાં આવી રહ્યું છે. કેરાલામાં 63, મેઘાલયમાં 71, મઘ્યપ્રદેશમાં 61, રાજસ્થામમાં 56 અને ઓડિશામાં 55 દિવસ કામ અપાયું છે.

125 દિવસ રોજગારીનો ધ્યેય સિદ્ધ થશે ખરો?
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો મનરેગા થકી અનેક રાજ્યોમાં રોજગારી આપવાના લક્ષ્ય ચૂકી ગઈ છે. ત્યારે નવા કાયદામાં 125 દિવસ રોજગારની ગેરંટી આપવાની વાત છે. જે કેટલી સિદ્ધ થાય છે તે સમય આવશે ત્યારે ખબર પડશે.





