ગ્રાહકોને ટેક્સ ઘટાડાનો લાભ નહીં આપનારા વેપારીઓ પર શિકંજો કસાશે

સરકાર જીએસટીનાં દરમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકોને આપવા માટે તૈયાર છે. આ અંતર્ગત તમામ ઉત્પાદનોની કિંમતો પર નજીકથી નજર રાખવામાં આવશે. અધિકારીઓ મહત્તમ છૂટક કિંમત (એમઆરપી)ની વિગતો એકત્રિત કરશે. જો કોઈ કંપની નફાખોરી માટે પ્રોડક્ટના ભાવમાં વધારો કરે છે, તો તેને નોટિસ મોકલવામાં આવશે.
જીએસટી વિભાગનાં એક વરિષ્ઠ અધિકારીએ નિર્દેશ કર્યો છે કે, અત્યાર સુધી મોટાભાગની કંપનીઓ ભાવ ઘટાડવા માટે સંપૂર્ણ તૈયાર છે. રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ પર નજર રાખવી એ એક મોટો પડકાર છે. આ અંતર્ગત, દરેક ઝોનમાંથી ઉત્પાદનોની મહત્તમ છૂટક કિંમતનો તુલનાત્મક ડેટા માંગવામાં આવ્યો છે.

મોનિટર કરવાનો અધિકાર
ગ્રાહકોને માલ અને સેવાઓની સપ્લાય કરતી વખતે કર દરમાં ઘટાડો અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ પસાર કરવો જરૂરી છે. જો કરદાતા આમ ન કરે તો તેને નફાખોરી માનવામાં આવે છે. કાર્યવાહી કરવાની જવાબદારી જીએસટી સત્તાવાળાઓની છે, જે જીએસટી કાયદામાં આપવામાં આવી છે.

વિગતો પૂછવામાં આવી છે
મહેસૂલ વિભાગે દરેક ઝોનના મુખ્ય કમિશનરો પાસેથી ઉત્પાદનોની એમઆરપીની વિગતો માંગી છે. દરેક ઝોનને 22 સપ્ટેમ્બર પહેલાં અને પછી તેમનાં વિસ્તારોમાં વેચાયેલા ઉત્પાદનોની એમઆરપીની વિગતો આપવા કહેવામાં આવ્યું છે. તમામ ઝોનની વિગતો 30 સપ્ટેમ્બર સુધીમાં ઉપલબ્ધ કરાવવાની રહેશે.

છ મહિના સુધી રિપોર્ટ મોકલશે
સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આગામી છ મહિના સુધી દરેક ઝોનને દર મહિનાની 20મી તારીખ સુધીમાં એમઆરપી રિપોર્ટ મોકલવાનો રહેશે. જીએસટી વિભાગ ભાવો પર ચાંપતી નજર રાખશે. કોઈ પણ કંપની તેનાં ઉત્પાદનના ભાવમાં વધારો કરીને નફો કરી રહી છે કે કેમ તેનાં પર વિભાગ નજર રાખશે. કુલ 54 કેટેગરીમાં આવતાં ઉત્પાદનોનો એમઆરપી રિપોર્ટ આપવો જરૂરી રહેશે.

દવાની દુકાન પર નવી ભાવ યાદી જરૂરી છે
મેડિકલ સ્ટોર્સ પર દવાઓ પર કયા નવા નિયમો લાગું થશે?

હવે દરેક મેડિકલ સ્ટોર પર દવાઓની નવી કિંમતની યાદી રાખવી ફરજિયાત બની જશે. આ સૂચિ ગ્રાહકોને સરળતાથી દેખાતી હોવી જોઈએ.

નવી કિંમત સૂચિ કોણ બહાર પાડશે અને તે ક્યાં ઉપલબ્ધ થશે?
આ યાદી ફાર્મા કંપનીઓ/માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવશે. તે મેડિકલ સ્ટોર ચલાવતાં ડીલરો અને દુકાનદારોની નજીક મૂકવામાં આવશે અને ગ્રાહકોને બતાવવામાં આવશે.











