
તહેવારોની સીઝનમાં ઓનલાઇન શોપિંગ દરમિયાન લોકોની ખરીદીની પસંદગીમાં રસપ્રદ વલણો સામે આવ્યાં છે. ટુ-વ્હીલર, સ્માર્ટ ટીવી, ટ્રેડમિલ, એર ફ્રાયર અને રોબોટિક વેક્યુમ ક્લીનર જેવી કેટેગરીમાં આ વખતે જબરદસ્ત વૃદ્ધિ નોંધાઈ છે.

એમેઝોન ઇન્ડિયાના હોમ, કિચન એન્ડ આઉટડોરડાયરેક્ટર કે.એન. શ્રીકાંતે જણાવ્યું હતું કે આ વર્ષનાં એમેઝોન ગે્રટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલના પ્રથમ બે અઠવાડિયામાં, કંપનીએ ટુ-વ્હીલર કેટેગરીમાં લગભગ 60 ટકા વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે.

હવે એમેઝોન પાસેથી હાર્લી ડેવિડસન, રોયલ એનફિલ્ડ, કેટીએમ જેવી પ્રીમિયમ બાઇક પણ ખરીદવામાં આવી રહી છે.

શ્રીકાંતના જણાવ્યાં અનુસાર, કંપની હાલમાં સરેરાશ છ દિવસની અંદર 500 શહેરોમાં વાહનોની ડિલિવરી કરી રહી છે. કંપનીનું કહેવું છે કે આ વખતે નાના શહેરોમાંથી પ્રીમિયમ ઉત્પાદનોની મોટી ખરીદી થઈ છે, પછી ભલે તે ટુ-વ્હીલર હોય કે સ્માર્ટ હોમ ઉપકરણો હોય.

એમેઝોનના વેચાણમાં દર બેમાંથી એક પ્રોડક્ટ હોમ, કિચન અને આઉટડોર કેટેગરીમાં વેચાય છે. GSTના ફાયદા :100 કરોડથી વધુની બચત

સરકાર દ્વારા જીએસટીના દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળી રહ્યો છે. શ્રીકાંતે જણાવ્યું હતું કે મહિનાનાં વેચાણનાં પ્રથમ 15 દિવસમાં ગ્રાહકોને 100 કરોડ રૂપિયાથી વધુનો જીએસટી લાભ મળ્યો છે અને સમગ્ર વેચાણ દરમિયાન આ આંકડો વધુ વધવાની ધારણા છે. વેચાણ અને જીએસટીમાં ઘટાડાને કારણે મોંઘાં ઉત્પાદનોનાં વેચાણમાં વધારો થયો છે. તહેવારોનું વેચાણ 22 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું.

























