
ચાલુ વર્ષે ચોમાસામાં સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર હજુ જોઈએ તેટલુ વધ્યુ નથી આથી જુદા-જુદા જિલ્લાનાં ડેમોમાં ગતવર્ષનાં, જુલાઈ માસ કરતા ચાલુ વર્ષે જુલાઈમાં ડેમોમાં નવાનિરની આવકમાં પણ વધઘટ દેખાઈ રહી છે.રાજકોટ સિંચાઈ વિભાગનાં સૂત્રો માંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ગત વર્ષે 28 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના 81-ડેમોમાં સરેરાશ 50.41 ટકા પાણીનો સંગ્રહ થયો હતો.

અને 81 પૈકી 27-ડેમો ઓવરફલો થઈ ગયા હતા. જયારે, ચાલુ વર્ષે આજ સુધીમાં માત્ર પાંચ જ ડેમો ઓવરફલો થયા છે. એટલે કે ગત વર્ષે કરતા ચાલુ વર્ષે વરસાદનું જોર સૌરાષ્ટ્રમાં હજુ ઓછુ છે.સૌરાષ્ટ્રનાં જિલ્લા વાઈઝ ડેમોની ગત વર્ષ અને ચાલુ વર્ષની આજની સ્થિતિ જોઈએ તો, રાજકોટ જિલ્લાના 27 ડેમોમાં ચાલુ વર્ષે 56.57 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

જયારે, ગત વર્ષે આજની સ્થિતિએ 52.66 ટકા જળસંગ્રહ હતો. એટલે કે ચાલુ વર્ષે 4 ટકા વધુ જળ સંગ્રહ થયો છે.આ ઉપરાંત ચાલુ વર્ષે મોરબી જિલ્લાના 10-ડેમોમાં 54-87 ટકા જળસંગ્રહ આજની સ્થિતિ એ છે જયારે ગત વર્ષે આજની સ્થિતિએ માત્ર 31.46 ટકા, જળ સંગ્રહ થયો હતો. એટલે કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મોરબી જિલ્લાનાં 10 ડેમોમાં 23-ટકા જેટલા વધુ પાણીનો સંગ્રહ થઈ ગયો છે.

તેમજ જામનગર જિલ્લાનાં 21 ડેમોમાં ચાલુ વર્ષે 50-ટકા પાણીનો સંગ્રહ આજની સ્થિતિએ છે જયારે ગત વર્ષે 28 જુલાઈ સુધીમાં જામનગર જિલ્લાનાં 21- ડેમોમાં 64.38 ટકા પાણી હતું.એટલે કે ચાલુ વર્ષે કરતા ગત વર્ષે જામનગર જિલ્લાનાં ડેમોમાં 14.38 ટકા વધુ પાણીનો સંગ્રહ થયો હતો. આજ રીતે દ્વારકા જિલ્લાના 12-ડેમોમાં ચાલુ વર્ષે 31.51 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

જયારે ગત વર્ષે 68.63 ટકા પાણીનો સંગ્રહ હતો. એટલે કે ગત વર્ષે 32 ટકા પાણીનો સંગ્રહ વધુ હતો.તેમજ ગત વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાનાં 11 ડેમોમાં માત્ર 26.05 ટકા પાણીનો સંગ્રહ થયો હતો.જયારે ચાલુ વર્ષે આજની સ્થિતિએ સુરેન્દ્રનગરનાં ડેમોમાં 80.89 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. એટલે કે ચાલુ વર્ષે 54-ટકા વધુ જળનો સંગ્રહ થઈ ગયો છે.


























