


ગેસથી ચાલતા ખાનગી અને જાહેર ટ્રાન્સપોર્ટ સહિતના વાહનો પરનો બોજો વધશે : અદાણી ગેસ પણ ટુંક સમયમાં વધારો કરે તેવા સંકેત : સ્કૂલ ટ્રાન્સ્પોર્ટેશન વધુ મોંઘુ થશે : એક વર્ષમાં રૂા.6નો વધારો

કેન્દ્ર સરકારે નેચલ ગેસની કિંમતમાં વધારો કરતા જ હવે આગામી સમયમાં પીએનજી સહિતના ગેસના ભાવમાં વધારો થનાર છે જેમાં ગુજરાતમાં રાજય સરકારની કંપની ગુજરાત ગેસ દ્વારા આજથી જ અમલમાં આવે તે રીતે વાહનો માટેના સીએનજીના ભાવમાં પ્રતિકિલો રૂા.1નો વધારો કરી દીધો છે.

તેના પગલે અદાણી ગેસ પણ હવે ભાવ વધારો કરે તેવા સંકેત છે. સીએનજીનો નવો ભાવ રૂા.80.26 પ્રતિ કીલો થયો છે. કેન્દ્ર સરકારે ગઈકાલે જ નેચરલ ગેસના જથ્થાબંધ ભાવ 7.02 ડોલર પ્રતિ મીલીયન બ્રીટીશ ફર્મલ યુનીટ જાહેર કર્યો છે. અને તેના પરિણામે આ ભાવ વધારો આવ્યો હોય તેવું માનવામાં આવે છે.

જેમાં સીએનજીના ભાવ વધી ગયા છે અને ગુજરાત ગેસ કે જે રાજયમાં પાઈપલાઈન મારફત રાંધણ ગેસ પૂરો પાડે છે તેના ભાવ પણ વધશે તેવા સંકેત છે. આ ગેસ ભાવ વધારાના કારણે હવે વાહનોમાં વપરાતો સીએનજી મોંઘો બનતા ખાનગી વાહન ચાલકો ઉપરાંત જાહેર ટ્રાન્સપોર્ટના વાહનો કે જે સીએનજીથી ચાલે છે તેને પણ વધારાનો ખર્ચ આવશે.

સૌથી મહત્વનું એ છે કે, શાળાઓના બાળકોને લઈ જતી રીક્ષા અને સ્કૂલ વાહનો કે જે સીએનજી પર દોડે છે ત્યાં પણ ભાવ વધારો લાગુ થતા તેનો ટ્રાન્સપોર્ટશન ખર્ચ વધશે. આ ઉપરાંત ખાનગી ટેકસી સેવા પણ મોંઘી થવાનો સંકેત છે.


























