HomeAllગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા...

ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત

ગેસ કંપનીએ રોન કાઢી: બધાની કેટેગરી જુદી-જુદી કેમ? એક સમાન ભાવ રાખવાની જરૂર: નફા-નુકસાનના ગણિત બદલાયા

મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસના ભાવમાં કાયમી ગ્રાહકો અને આપદા સમયે આવેલા ગ્રાહકોને ગેસ આપવા માટે અલગ અલગ કેટેગરી અને ટકાવારી મુજબ ભાવ નક્કી કરીને આપવામાં આવેલ છે. જેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

આ ભાવની વિસંગતતાના કારણે ઉદ્યોગકારો પોતાના કારખાના ચાલુ કરે તેમ છતાં પણ બજારમાં ટકી શકે નહીં અને તૈયાર માલની પડતર કિંમત વધી જવાના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને પડ્યા ઉપર પાટુ પડે તેવી શક્યતા છે જેથી ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસની સપ્લાયના જુદી જુદી કેટેગરી મુજબ કરવાના બદલે તમામ ગ્રાહકોને એક જ ભાવથી ગેસ આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

સીરામીક કારખાનાઓમાં ટાઇલ્સનું ઉત્પાદન કરવા માટે થઈને પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ નો ઉપયોગ કરવામાં આવતો હતો ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારબાદ પ્રોપેન ગેસ મળતો બંધ થયો છે જેથી પ્રોપેન ગેસના આધારે જે કારખાનામાં સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન થતું હતું તે સદંતર બંધ થઈ ગયું છે અને નેચરલ ગેસ અમુક કારખાનાઓમાં મળે છે.

જોકે એપ્રિલ મહિનાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસ આપવા માટે થઈને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે પરંતુ હાલમાં જે ગેસની સપ્લાય અલગ અલગ કેટેગરી અને ટકાવારી મુજબના ભાવ સેટ કરીને ગુજરાત ગેસ કંપની દ્વારા ઇ-મેલ મારફતે ઉદ્યોગકારોને આપવામાં આવ્યા છે તેને લઈને ઉદ્યોગકારોમાં ક્યાંકને ક્યાંક કચવાટની લાગણી જોવા મળી રહી છે અને ગુજરાત ગેસ કંપનીની બેધારી નીતિના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગકારોની મૂંઝવણમાં વધારો થયો છે.

સ્વાભાવિક છે કે કોઈપણ ઉદ્યોગકાર પોતાના કારખાનામાં જે રો મટીરીયલ સસ્તું પડે તેનો ઉપયોગ કરીને પોતાની સારામાં સારી પ્રોડક્ટ બનાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે તેવી જ રીતે મોરબીના ઉદ્યોગોને નેચરલ ગેસ કરતા પ્રોપેન ગેસ અગાઉ સસ્તો પડતો હતો.

જેથી પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવતું હતું જોકે હાલમાં યુદ્ધના કારણે પ્રોપેન ગેસ મળતો બંધ થયો છે ત્યારે ગુજરાત ગેસ કંપની જાણે તકનો લાભ લેવા માટે થઈને મેદાને પડી હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે.

મોરબીમાં જે સિરામિક કારખાનેદારો દ્વારા છેલ્લા છ મહિનાથી સતત નેચરલ ગેસનો ઉપયોગ કર્યો હોય તેવા કાયમી ગ્રાહકોને ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના વપરાશ મુજબ અલગ-અલગ ટકાવારી પ્રમાણેના ભાવ સેટ કરીને આપવામાં આવ્યા છે.

જેમાં ઉદ્યોગકાર દ્વારા જે ડિમાન્ડ કરવામાં આવી હોય તેના 50 % વપરાશ સુધી 52 રૂપિયા, 50 થી 80 % સુધીના વપરાશ માટે 75 રૂપિયા અને 80 થી 100 % સુધીના વપરાશ માટે 85 રૂપિયાનો પ્રતિ કયુબિક મીટર ગેસનો ભાવ આપવામાં આવ્યો છે આમ સરેરાશ કાયમી ગ્રાહકને 65 રૂપિયા જેવા ભાવથી ગેસ મળે તેમ છે.

જેની સામે પ્રોપેન ગેસ ન મળતો હોવાના કારણે ગુજરાત ગેસ કંપનીમાંથી નેચરલ ગેસ લઈને સિરામિક કારખાના શરૂ કરવા માંગતા નવા ગ્રાહકો દ્વારા જે ડિમાન્ડ આપવામાં આવી છે તેઓને 88 રૂપિયાનો પ્રતિ કયુબિક મીટરના ભાવથી ગેસ આપવા માટેના ઈમેલ કરવામાં આવેલ છે. અને તેના ઉપર અલગથી ટેક્સ લાગે એટલે 94 રૂપિયા કરતાં વધુ ભાવ નવા ગ્રાહકોને આપવો પડે તેમ છે.

આમ એક જ ગામની અંદર, એક જ ઉદ્યોગમાં, એક જ પ્રકારની પ્રોડક્ટ બનાવવા માટે થઈને કારખાનેદારોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા જે જમીન આસમાનનો તફાવત રાખવામાં આવ્યો છે તેના કારણે ઉદ્યોગકારોને પડ્યા ઉપર પાટુ આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

અગાઉ મુખ્યમંત્રી દ્વારા પણ ઉદ્યોગકારોને કોઈપણ પ્રકારની મદદ જોઇતી હોય તો આપવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી ત્યારે હવે ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસ આપવા માટેના જે ભાવ આપવામા આવેલ છે તેમાં કાયમી અને આપદા સમયે આવેલા ગ્રાહકોને જે ભાવ આપવામાં આવ્યા છે તેમાં જમીન આસમાનનો તફાવત છે.

આ તફાવતના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગોકારો લોકલ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે નહીં અને તેઓને તેના માર્કેટ ગુમાવવા પડે તેવી પણ શ્ક્યતા છે જેથી સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગમાં એક જ ભાવથી નેચરલ ગેસની સપ્લાય કરવામાં આવે અને સરકાર નહીં નફો નહીં નુકશાનના ધોરણે ઉદ્યોગકારોને ગેસ આપે તેવી માંગ ઉઠી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments