
નાના વેપારીઓનું ટર્નઓવર-કમાણી મોટી થતી હોવાનો યુપીઆઈ પેમેન્ટના આધારે ભાંડો ફૂટયા બાદ કર્ણાટકમાં હજારો નાના વેપારીઓને નોટીસની કાર્યવાહીને પગલે ગુજરાત સહિતના રાજયોના જીએસટી વિભાગ એકશનમાં આવ્યા છે નાના વેપારીઓને થયેલા યુપીઆઈ પેમેન્ટની વિગતો કંપનીઓ-એજન્સી પાસેથી મંગાવવાનું શરૂ કર્યું છે અને તેના આધારે નોટીસો ઈસ્યુ થવાની શકયતા છે.

માહિતગાર સુત્રોએ કહ્યું કે કર્ણાટકમાં જીએસટી વિભાગે નાના વેપારીઓની મોટી કમાણી-ટર્નઓવરની પોલ ખોલવાને પગલે ગુજરાત, ઉતરપ્રદેશ, તામીલનાડુ તથા આંધ્રપ્રદેશ જેવા રાજયોનાં જીએસટી તંત્ર દ્વારા યુપીઆઈ એપ્સ તથા પેમેન્ટ કંપનીઓ પાસેથી નાના વેપારીઓને થયેલા ઓનલાઈન વાર્ષિક પેમેન્ટની વિગતો માંગી છે.

પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈ પ્રમાણે વાર્ષિક 40 લાખથી વધુનુ (સેવા ક્ષેત્રમાં 20 લાખ) ટર્નઓવર ધરાવતા વેપારીઓએ જીએસટી રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. કરવેરાની ઝંઝટથી દુર રહેવા માંગતા નાના વેપારીઓ મોટુ ટર્નઓવર હોવા છતાં રજીસ્ટ્રેશન કરાવતા નથી. પરંતુ ઓનલાઈન પેમેન્ટનાં વધતા ટ્રેન્ડને કારણે આ કારસ્તાન પકડાવા લાગ્યા છે.

કર્ણાટકમાં જીએસટી વિભાગે યુપીઆઈ પેમેન્ટ કંપનીઓ પાસેથી માહિતી કઢાવીને 14000 નાના વેપારીઓને નોટીસ ફટકારી છે. નોટીસમાં કોઈ ટેકસ ડીમાંડ કરવામાં આવી નથી. માત્ર રજીસ્ટ્રેશન કરાવવાની સુચના છે. આ નોટીસો પછી રાજયનાં વેપારીઓએ ઓનલાઈન પેમેન્ટ લેવાનું બંધ કરીને રોકડના વ્યવહારો જ શરૂ કરી દીધા છે.

કર્ણાટકમાં વેપારીઓની પોલ છતી થતા ગુજરાત સહિતનાં ચાર રાજયોનાં જીએસટી વિભાગે પણ એકટીસ થઈને યુપીઆઈ પેમેન્ટ કંપનીઓ પાસેથી માહિતી માંગવાની પ્રક્રિયા હાથ ધરી છે.

વેપારી સુત્રોએ કહ્યુ કે ગુજરાતમાં હજુ જીએસટી વિભાગે નોટીસ કાર્યવાહી કરી નથી પરંતુ આવા એકશન શરૂ થાય તો રાજયનાં વેપારીઓ પણ ઓનલાઈન પેમેન્ટ બંધ કરીને માત્ર રોકડ વ્યવહાર જ શરૂ કરી શકે છે અને તે સંજોગોમાં પુન: ‘કેશ ઈઝ કિંગ’નો યુગ શરૂ થશે.

જીએસટી અધિકારીઓએ એવો નિર્દેશ કર્યો હતો કે ધંધો ચા, પાન, બેકરી જેવો નાનો ગણાતો હોવા છતાં ટર્નઓવર નિયત મર્યાદા કરતા વધુ થતુ હોય તો તેવા વેપારીઓને સિસ્ટમમાં સામેલ કરવા જ પડે.ભારતમાં યુપીઆઈ પેમેન્ટનું ચલણ સતત વધી રહ્યું છે.

દર મહિને 18 અબજ વ્યવહાર થાય છે.તેમાંથી બે-તૃતિયાંશ દુકાનોમાંથી ખરીદી પેટેના હોય છે. યુપીઆઈ વ્યવહાર પર પણ કોઈ જીએસટી નથી સિવાય કે ટર્નઓવર 40 લાખથી વધુ થાય. બ્રેડ જેવી ચીજોમાં ટેકસ નથી પરંતુ પેકીંગમાં વેચાતા નાસતા જેવી ચીજો પર ટેકસ લાગતો હોય છે.





















