
દેશભરમાં SIR પ્રક્રિયા હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્ત્વની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે, બિહારની જેમ દેશના અન્ય 12 રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)નો બીજો તબક્કો શરુ કરાશે.

ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં શરુ કરાશે SIR
દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘આજે અમે અહીં SIRના બીજા તબક્કાની શરુઆતની જાહેરાત માટે આવ્યા છીએ. 12 રાજ્યોની મતદાર યાદીના SIRનો બીજો તબક્કો શરુ કરાઈ રહ્યો છે. આ પ્રક્રિયા હેઠળ તમામ રાજ્યમાં મતદાર યાદીમાં નવા નામ ઉમેરવાનું, કાઢવાનું અને અન્ય ખામીઓ સુધારવાનું કામ કરાશે. હું બિહારના 7.5 કરોડ મતદારોને નમન કરું છું, જેમણે આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નિભાવી અને તેને સફળ બનાવી. ચૂંટણી પંચે દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરીને પ્રક્રિયા પર વિસ્તારથી ચર્ચા કરી.’

જણાવી દઈએ કે, SIR પ્રક્રિયાના બીજા તબક્કામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, પુડુચેરી અને આંદામાન નિકોબાર પણ સામેલ છે.

BLO દરેક મતદારોના ઘરે ઓછામાં ઓછા ત્રણ વખત મુલાકાત લેશે
જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘આ પ્રક્રિયા દરમિયાન બૂથ લેવલ ઑફિસર (BLO) દરેક મતદારોના ઘરે ઓછામાં ઓછા ત્રણ વખત મુલાકાત લેશે, જેથી નવા મતદારોને યાદીમાં જોડી શકાય અને કોઈ પણ ભૂલને સુધારી શકાય. BLO ઘરે-ઘરે જઈને Form-6 અને Declaration Form એકઠા કરશે, નવા મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે અને તેમને ERO (ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર) અથવા AERO(આસિસ્ટન્ટ ERO)ને સોંપશે.

બીજા તબક્કાની ટ્રેનિંગ મંગળવારથી શરુ થશે. સાથે જ તમામ મુખ્ય ચૂંટણી અધિકારી (CEOs) અને જિલ્લા ચૂંટણી અધિકારી(DEOs)ને નિર્દેશ અપાયા છે કે તેઓ આગામી બે દિવસમાં રાજકીય પક્ષો સાથે મળીને SIR પ્રક્રિયાની માહિતી આપી દે.

ચૂંટણી પંચે એ પણ નિર્દેશ આપ્યા છે કે મતદારો- ખાસ કરીને વૃદ્ધો, બીમાર, દિવ્યાંગ (PwD), ગરીબ અને નબળા વર્ગને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય, તેના માટે લોકોની તૈનાતી કરાશે જેથી તેમને વધુમાં વધુ મદદ મળી શકે. કોઈપણ મતદાન કેન્દ્રમાં 1200થી વધુ મતદારો નહીં હોય.’

અત્યાર સુધીમાં 8 વખત થયું SIR
નોંધનીય છે કે, અત્યાર સુધી દેશમાં 1951થી 2004 વચ્ચે આઠ વખત SIR પ્રક્રિયા કરાઈ છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, ‘રાજકીય પક્ષોએ અનેક વખત મતદાર યાદીની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો છે.’

આજે રાત્રે ફ્રીઝ કરાશે યાદી
મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું કે, આ તબક્કામાં જે રાજ્યોમાં SIR થશે, ત્યાં મતદાર યાદી આજે રાત્રે ફ્રીઝ કરી દેવાશે.

શા માટે જરુરી છે SIR?
મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, અનેક કારણ છે જેના કારણે SIR જેવી પ્રક્રિયાની જરુર છે. જેમાં વારંવાર પલાયન સામેલ છે, જેના કારણે મતદારોની એકથી વધુ જગ્યાઓ નોંધણી થઈ જાય છે, મૃત મતદારોના નામ નથી હટાવાટા અને કોઈ વિદેશીનું ખોટી રીતે યાદીમાં સામે સામેલ થાય છે.















