HomeAllગુજરાતે અવકાશ સંશોધનમાં સફળતા, ખાનગી સ્ટાર્ટઅપ દ્વારા રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ...

ગુજરાતે અવકાશ સંશોધનમાં સફળતા, ખાનગી સ્ટાર્ટઅપ દ્વારા રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

ગુજરાતે અવકાશ સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. ધોલેરામાં રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પ્રક્ષેપણ થયું. ઓમસ્પેસ દ્વારા તૈયાર આ રોકેટ મેક ઇન ઇન્ડિયા અભિયાનના હેતુસર બનાવાયું છે.

ગુજરાતે અવકાશ સંશોધન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદ નજીક આવેલા ધોલેરાના બાવળીયારી વિસ્તારમાં આજે રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ ‘ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ’ (OSRE) દ્વારા આ ઐતિહાસિક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં આ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્થળ પર હાજરી આપી સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું અને યુવા વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા અવકાશ સંશોધન અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા પ્રયાસોનું આ પરિણામ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ 14 માર્ચે બાવળીયારી ખાતે બનાવવામાં આવેલા અસ્થાયી લોન્ચિંગ કોમ્પ્લેક્સ પરથી બપોરે લગભગ 1 વાગ્યે આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ રોકેટે સફળતાપૂર્વક ઉડાન ભરી હતી. રોકેટે આશરે 3 કિલોમીટર સુધીની ઊંચાઈ હાંસલ કરી હતી.

આ ઉડાન દરમિયાન પ્રોપલ્શન સિસ્ટમ, એવિઓનિક્સ તેમજ ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ રોકેટમાં હવામાન સંબંધિત માહિતી એકત્રિત કરી શકે તેવો મીની સેટેલાઈટ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

જેના માધ્યમથી વાતાવરણ સંબંધિત મહત્વપૂર્ણ ડેટા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને ધ્યાનમાં રાખીને આ રોકેટનું એરફ્રેમ કાર્બન ફાઇબર અને એડવાન્સ કમ્પોઝિટ મટીરિયલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.

આ સમગ્ર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગનું કામ અમદાવાદ ખાતે આવેલી ઓમસ્પેસની લેબમાં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઓમસ્પેસના સ્થાપક અને સીઇઓ ડો. રવિન્દ્ર રાજે જણાવ્યું હતું કે આ સફળ લોન્ચિંગ આગામી સમયમાં વધુ મોટા પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો કરશે. તેમણે જણાવ્યું હતું કે કંપની દ્વારા ભારતનું સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ‘ઇન્ફિનિટી વન’ બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે

અને આ સફળ પરીક્ષણ તે માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ લોન્ચિંગ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તેમજ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જરૂરી મંજૂરી અને ટેકનિકલ સહયોગ આપવામાં આવ્યો હતો.

આ સમગ્ર મિશન IN-SPACe (ISRO) ની અધિકૃતતા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અધિકારીઓ તેમજ વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માટે અવકાશ સંશોધન ક્ષેત્રે આ લોન્ચિંગ એક નવી શરૂઆત માનવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!