
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 ને “શહેરી વિકાસ વર્ષ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે અને તેના ભાગરૂપે રાજ્યમાં ટાઉનશીપ વિકાસ માટે નવી પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે છેલ્લે 2009માં ટાઉનશીપ પોલિસી અમલમાં મૂકી હતી, પરંતુ તેમાં અનેક ખામીઓ રહી હતી જેના કારણે તેની લોકપ્રિયતા ઘટી ગઈ હતી અને ઘણાં વિકાસકર્તાઓએ તેમાં રુચિ લીધી નહોતી. હવે રાજ્ય સરકારે આ અગાઉની પોલિસીમાંથી મળેલા પાઠના આધારે વધુ વ્યાવહારિક અને વિકસિત દૃષ્ટિકોણ સાથે નવી પોલિસી તૈયાર કરવાનું નક્કી કર્યું છે.

રાજ્યના શહેરી વિકાસ વિભાગના સૂત્રો જણાવે છે કે નવી પોલિસી ખાસ કરીને શહેરોમાં સંગઠિત અને સસ્તા આવાસોના વિકાસને પ્રોત્સાહન આપશે. રાજ્યમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણને ધ્યાનમાં રાખી આગામી 20 વર્ષના શહેરી માળખાકીય વિકાસ માટે વ્યાપક નીતિ બનાવવાની તૈયારી ચાલી રહી છે.

નવી પોલિસી હેઠળ ડેવલપર્સને વધુ પ્રોત્સાહનો આપવા પર વિચાર થઈ રહ્યો છે જેમ કે વધારાનો FSI, વિવિધ પ્રકારના ટેક્સ અને ફીમાં છૂટછાટ, તેમજ જમીન કપાતના નિયમોમાં શિથિલતા. 2009ની નીતિમાં ડેવલપરોને ઓછામાં ઓછી 40 હેક્ટર જમીન મેળવવાની શરત હતી, જ્યારે શહેરોના પ્રાથમિક વિસ્તારોમાં 20 હેક્ટર જમીન જરૂરિયાત હતી. ઉપરાંત 60 ટકા જમીન રહેણાંક હેતુ માટે અને બાકીની 40 ટકા જાહેર હેતુ માટે ફાળવવાની હતી. આ બધી શરતો વિકસકોએ અમલમાં મૂકી શકી નહોતી તેથી પોલીસી લોકપ્રિય થઈ નહીં.

નવી નીતિ તૈયાર કરતાં પહેલા શહેરી વિકાસ વિભાગે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓ અને વિકાસકર્તાઓ સાથે બેઠક કરી છે અને તેમની સૂચનાઓ મેળવી છે. સત્તાવાર સૂત્રો કહે છે કે ટાઉનશીપ વિકાસ દરમ્યાન વિકાસકર્તાઓને બહુ જ ખર્ચ કરવો પડે છે — ખાસ કરીને રસ્તા, ડ્રેનેજ, પાણી જેવી આધારભૂત સુવિધાઓ માટે તેથી આ બોજો ઘટાડવા સરકાર હવે જમીન કપાતમાં છૂટછાટ આપે તેવી શક્યતા છે.

સરકાર મોટા પાયે ટાઉનશીપ માટે ભવિષ્યમાં વિકાસકર્તાઓને સરકારી જમીનના પાર્સલ પણ આપી શકે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર નવી પોલિસીમાં સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી અને મ્યુનિસિપલ ટેક્સમાં પણ રાહત આપવા માટે વિચારણા કરી રહી છે.

નવી ટાઉનશીપ પોલિસી રાજ્યના આવાસ ક્ષેત્રમાં નવા વિઝન સાથે સુધાર લાવશે તેવો આશાવાદ સરકાર પાસે છે. આગામી સમયમાં પોલીસીનો ડ્રાફ્ટ જાહેર કરીને Stakeholders પાસેથી પણ પ્રતિસાદ માંગવામાં આવશે.
























