HomeAllગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર, જાણો એડવાઇઝરીની મહત્ત્વપૂર્ણ...

ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર, જાણો એડવાઇઝરીની મહત્ત્વપૂર્ણ બાબતો

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા આજે (26 નવેમ્બર) એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમોમાં છૂટાછેડા લીધેલા દંપતીઓ, સિંગલ પેરેન્ટ્સ અને નામમાં અટક કે ક્રમ બદલવા માંગતા અરજદારો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

છૂટાછેડાના કેસમાં માતાનું નામ

જો દંપતી વચ્ચે છૂટાછેડા થયા હોય અને કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે. દા.ત. (બાળકનું નામ, માતાનું નામ, માતાની અટક)

પિતાનું નામ ફરજિયાત

જોકે, એક મહત્ત્વની સ્પષ્ટતા એ કરવામાં આવી છે કે જન્મના પ્રમાણપત્રમાં ‘પિતાના નામ’ની જે કોલમ હોય છે, તેમાંથી જૈવિક (Biological) પિતાનું નામ દૂર કરી શકાશે નહીં. ત્યાં ફરજિયાત પિતાનું નામ જ લખવાનું રહેશે.

માતા-પિતા સાથે રહેતા હોય તો પણ છૂટ

જો માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા હોય, તો પણ જો તેઓ ઇચ્છે તો બાળકના નામની પાછળ પિતાના નામને બદલે માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે.

અટક/પિતાનું નામ કાઢી નાખવું

જો અરજદાર ઇચ્છે તો બાળકના નામ પાછળ મિડલ નેમ (પિતાનું નામ) અને લાસ્ટ નેમ (અટક) બંને લખાવવાનું ટાળી શકે છે અને તે વૈકલ્પિક (Optional) રહેશે. એટલે કે દાખલામાં ફક્ત ‘બાળકનું નામ’ જ રાખી શકાય.

નામનો ક્રમ બદલવો

હવેથી બાળકના નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ (દા.ત. અટક, બાળકનું નામ, પિતાનું નામ) રાખવું હોય તો તે પણ માન્ય ગણાશે.

પિતા પુત્રની અલગ અટક

પિતા અને બાળકની અટક અલગ રાખવી હોય તો સરકારી ગેઝેટ અને પુરાવાને આધારે તેમાં સુધારો થઈ શકશે.

મરણના દાખલામાં નિયમ

મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક લખાવવી વૈકલ્પિક કરી શકાશે.

હવે એકથી વધુ વાર સુધારો શક્ય

અગાઉ 2007ના નિયમો મુજબ જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. પરંતુ હવે નવા પરિપત્ર મુજબ, સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂરી સુધારા કરી શકાશે.

મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ લખવું હવેથી વૈકલ્પિક ગણાશે. રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ એડવાઇઝરીનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!