
આગામી 7 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી, અને ઠંડીનો વર્તમાન અનુભવ જળવાઈ રહેશે. રાજ્યમાં હાલમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશા તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ નીચું તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન આશરે 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ખાસ કરીને, કચ્છના નલિયામાં તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યના સામાન્ય લઘુતમ તાપમાન કરતાં 2થી 4 ડિગ્રી ઓછું છે.

8થી 14 ડિસેમ્બર દરમિયાન હવામાન શુષ્ક રહેવાની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ એટલે કે 8થી 14 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની શક્યતા છે અને લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાનો અંદાજ નથી. અમદાવાદ માટે હવામાન વિભાગે આકાશ સ્વચ્છ રહેવાનો અંદાજ આપ્યો છે, અને અહીં લઘુતમ તાપમાન આગામી 24 કલાક માટે 16 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રોનો સમાવેશ થાય છે, ત્યાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફની રહેશે અને તેની ગતિ 15થી 20 નોટ સુધી રહેવાનો અંદાજ છે.

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. જોકે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું હતું, જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં તે સામાન્ય કરતાં ઉપર રહ્યું હતું, અને બાકીના વિસ્તારોમાં લઘુતમ તાપમાન સામાન્ય હતું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં -1.6 ડિગ્રી ઓછું છે. અન્ય મુખ્ય શહેરોમાં, અમદાવાદમાં 15.5 ડિગ્રી (સામાન્ય કરતાં 1.1 ઉપર), ગાંધીનગરમાં (15) (સામાન્ય કરતાં 2.3 ઉપર), અને રાજકોટમાં 13.2 ડિગ્રી (સામાન્ય કરતાં -2.4 નીચે) તાપમાન નોંધાયું છે. હાલમાં, પવનનો પ્રવાહ ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફ છે.







