
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધી હક્ક-વાંધા-દાવાઓ તા.19/12/2025થી 30/01/2026 દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ પણ કરવામાં આવ્યો હતો.

50,963 બીએલઓએ કરી કામગીરી
આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાના પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે, સૌથી પહેલા ગુજરાત રાજ્યના તમામ નાગરિકો આ ઝુંબેશમાં અભૂતપૂર્વ સહકાર આપવા બદલ આભાર અને અભિનંદનના હકદાર છે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 34 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી, 50,963 BLO તથા અનેક સ્વયં સેવકોની સક્રિય સહભાગિતા રહી છે. રાજ્યના મતદારોનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. મીડિયા, રાજકીય પક્ષો તથા અન્ય સંગઠનોનો પણ સહયોગ મળ્યો છે. જેના ફળ સ્વરૂપ નિયત સમયર્યાદામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ગણતરી ફોર્મ મળ્યા હતા. આ તમામ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું હતું.

5.60 લાખ મતદારોનો વધારો
BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં. મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા. મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી હતી અને આખરી મતદાર યાદીમાં 4,40,30,725 મતદારોના નામ રહેવા પામ્યા છે. આમ, મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ 5.60 લાખ મતદારોનો વધારો (Net Addition) આખરી મતદાર યાદીમાં થયો છે.
SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજિટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરી ગયેલા, ગણતરી દરમિયાન ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી હતી.

















