
ગૂગલ દ્વારા તેમની ઇમરજન્સી લોકેશન સર્વિસને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ સર્વિસ સૌથી પહેલાં ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવી છે. યુઝર્સ દ્વારા જ્યારે 112 નંબર ડાયલ કરવામાં આવશે ત્યારે ભારતની ઇમરજન્સી સર્વિસને યુઝર્સની ચોક્કસ લોકેશન મોકલવામાં આવશે. યુઝર જ્યારે મુશ્કેલીના સમયમાં હોય અને તેના માટે એક-એક સેકન્ડ જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે આ લોકેશન ખૂબ જ કામ આવી શકે છે.

સંકટના સમયે લાઇફલાઇન બનશે આ સર્વિસ
ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઇમરજન્સી લોકેશન સર્વિસનો સમાવેશ કરવામાં આવશે. આ સર્વિસ GPS, વાઇ-ફાઇ અને મોબાઇલ નેટવર્કનો ઉપયોગ કરીને યુઝરની ચોક્કસ લોકેશન મોકલે છે. આ લોકેશન 50 મીટરની અંદર હોઈ શકે છે. આ સર્વિસમાં યુઝરની ડિવાઇસમાં કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ વિશે પણ માહિતી મોકલવામાં આવશે. આથી ઇમરજન્સીના સમયે એ વ્યક્તિ કઈ ભાષામાં વાત કરી શકે એ તર્ક મેળવી શકાય.

ઉત્તર પ્રદેશમાં ટેસ્ટિંગ રહ્યું સફળ
ભારતમાં ઉત્તર પ્રદેશ પહેલું એવું રાજ્ય છે જ્યાં ઇમરજન્સી લોકેશન સર્વિસને શરૂ કરવામાં આવી છે. ટેલિકોમ સોલ્યુશન અને ઉત્તર પ્રદેશ પોલીસના સહકારથી આ સર્વિસ કામ કરશે. છેલ્લા થોડા મહિનાથી ઉત્તર પ્રદેશમાં પાયલટ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. ગૂગલ દ્વારા ઉત્તર પ્રદેશમાંથી અંદાજે બે કરોડથી વધુ ઇમરજન્સી કોલ અને મેસેજ માટેની લોકેશન મેળવવામાં આવી હતી. ઘણાં કેસમાં કોલ કર્યાના થોડા સેકન્ડમાં પણ એ કટ થઈ ગયો હોવા છતાં એ વ્યક્તિનું લોકેશન મળી ગયું હતું.

યુઝરની પ્રાઇવસીની ગેરંટી
ગૂગલ દ્વારા એ વાતની ખાતરી આપવામાં આવી છે કે ઇમરજન્સી લોકેશન સર્વિસની શરૂઆત કરવામાં યુઝર્સની પ્રાઇવસી સાથે કોઈ બાંધછોડ કરવામાં નથી આવી. આ ફીચર માટે કોઈ પૈસા ચૂકવવાના રહેતા નથી તેમ જ એનો ઉપયોગ ઇમરજન્સી દરમિયાન કોલ અથવા તો મેસેજ માટે કરી શકાશે. એ માટે કોઈ વધારાની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેતી નથી. તેમ જ કોઈ વધારાના હાર્ડવેરની પણ જરૂર નથી. લોકેશન ડેટા સીધા ફોનમાંથી ઇમરજન્સી સર્વિસને ટ્રાન્સફર કરવામાં આવશે. આ ડેટાને ગૂગલ દ્વારા સ્ટોર કરવામાં નથી આવતો, આથી એમાં યુઝરની પ્રાઇવસીનો પ્રશ્ન જ નથી ઊભો થતો.

અન્ય રાજ્યમાં પણ થશે શરૂ
ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ ડિવાઇસમાં આ ફીચર આપવામાં આવ્યું છે. એન્ડ્રોઇડ 6.0થી ઉપરની દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં આ ફીચર જોવા મળશે. ગૂગલ દ્વારા એવી આશા રાખવામાં આવી રહી છે કે ઉત્તર પ્રદેશ બાદ અન્ય રાજ્ય પણ એનું અનુકરણ કરે અને આ સર્વિસને તેમના રાજ્યમાં શરૂ કરે. જો એ થયું તો આગામી થોડા મહિનામાં એ શરૂ થઈ જશે.








