

ભારતમાં નેશનલ હાઇવેઝ પર ટોલ કલેકશન માટે વર્ષ ૧૯૧૪થી પ્રાયોગિક ધોરણે અને એપ્રિલ ૨૦૧૬થી આખા દેશમાં ફાસ્ટેગ વ્યવસ્થા અમલમાં આવી, ત્યારથી હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે ટોલ ટેક્સની ચૂકવણી ઘણી સહેલી બની છે.

આપણે ટોલ પ્લાઝા પર પહોંચીએ એ સાથે ત્યાં લગાવેલો કેમેરા વાહનના પર લગાવેલ ફાસ્ટેગ સ્કેન કરે, એ સાથે આપણા ફાસ્ટેગ એકાઉન્ટમાંથી જરૂરી ટોલ ફટાફટ ચૂકવાઇ જાય. ટોલ પ્લાઝા પર આપણા વાહનનો નંબર ગ્રીન કલરમાં ઝબૂકે અને વાહન આડી ઊતરેલી બેરિયર ઉંચકાઈ જાય, રસ્તો ક્લિયર થાય અને આપણે પોતાના રસ્તે આગળ વધી જઇએ.

ફાસ્ટેગના આગમન પહેલાં ટોલ ચૂકવણીની આખી પ્રક્રિયા વધુ લાંબી હતી. આપણે રોકડા રૂપિયા ચૂકવીને કે બેંક કાર્ડથી પેમેન્ટ કરીએ કે પછી યુપીઆઇનો ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કર્યા પછી આગળ વધી શકતા. ફાસ્ટેગ આવવાથી એ બધી મેન્યુઅલ પ્રોસેસ નીકળી ગઈ, પરંતુ પેલી બેરિયરનો અવરોધ હજી પણ આડો આવે છે.

હવે એ બેરિયર પણ નીકળી જાય તેવા દિવસો નજીકમાં છે!
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારતના વિવિધ હાઇવે પર મલ્ટિ-લેન ફ્રી ફ્લો (એમએલએફએફ) ટોલિંગ સિસ્ટમ મોટા લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેની શરૂઆત ઓગસ્ટ ૦૨૫માં જ, ગુજરાતના ચોર્યાસી ફી પ્લાઝાથી થઈ ગઈ.

આવા બેરિયર-ફ્રી ટોલ પ્લાઝા પર આપણો રસ્તો અવરોધતી કોઈ બેરિયર હશે જ નહીં. આપણે ટોલ પ્લાઝા પર વાહન અટકાવ્યા વિના પસાર થઈ શકીશું અને છતાં આપણે ચૂકવવા જરૂરી ટોલ ટેક્સની ચૂકવણી થઈ જશે. આવા મલ્ટિ-લેન ફ્રી ફ્લો ટોલ પ્લાઝા પર હાઇપર્ફોર્મન્સ આરએફઆઇડી રીડર્સ તથા ખાસ પ્રકારના કેમેરા લગાવવામાં આવશે. આ રીડર્સ અને કેમેરા ટોલ પ્લાઝા પર અટક્યા વિના પસાર થતા વાહન પર લગાવેલ ફાસ્ટેગ તથા વ્હિકલ રજિસ્ટ્રેશન નંબર બંને ગણતરીની સેકન્ડમાં સ્કેન કરી લેશે, આથી આપણે વાહન અટકાવીશું નહીં તો પણ ટોલ ટેક્સ ચૂકવાઈ જશે.

એ યાદ રાખવા જેવું છે કે ભારતના હાઇવે પર ફાસ્ટેગ વ્યવસ્થા સદંતર દૂર કરીને સેટેલાઇટ આધારિત વ્હિકલ ટ્રેકિંગથી હાઇવેનો ઉપયોગ કરતા વાહનનો ટોલ કલેક્ટ કરવાની દિશામાં પણ પ્રયાસો ચાલી રહ્યા છે. હાલમાં વિકસી રહેલી એમએલએફએફ વ્યવસ્થા એ સેટેલાટ આધારિત વ્યવસ્થા કરતાં અલગ છે. એમએલએફએફ વ્યવસ્થા હજી પણ ફાસ્ટેગ આધારિત જ છે. માત્ર તેમાં ફાસ્ટેગના સ્કેનિંગ માટે વાહન સાવ અટકાવવાની જરૂર નહીં રહે. પરિણામે ટોલ પ્લાઝા પર કોઈ બેરિયરની આવશ્યકતા પણ નહીં રહે.

વાહનો અટક્યા વિના સરળતાથી ટોલ પ્લાઝા પસાર કરશે. આથી ટોલ પ્લાઝા પર અત્યારે, ખાસ કરીને રજાના કે હેવી ટ્રાફિકના દિવસોમાં વાહનોની જે લાંબી કતાર લાગે છે એમાં પણ રાહત મળશે. લાખો વાહનોને અટકવાની જરૂર નહીં રહે એટલે ઇંધણની જે બચત થશે તે અલગ!








