મૂક-બધીર, અંધ, પક્ષઘાતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે ટેકનીક: પ્રયાગરાજના ટ્રિપલ આઈટીના વૈજ્ઞાનિકોની શોધ

કિશોરકુમારનું ગાયેલું એક જૂનુ ગીત છે- હવાઓ પે લિખ દો, હવાઓ કે નામ… આ ગીતની કલ્પના હવે સાકાર થવા જઈ રહી છે. લખવા માટે કાગળ, પેન કે બોર્ડની જરૂર પડે છે, હવે આ જરૂરત ભૂતકાળ બની જશે! બસ, હવામાં આપની એક આંગળી કે પેનથી અક્ષર લખશો તો તે કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે. ભારતીય માહિતી ટેકનોલોજી સંસ્થાનના વૈજ્ઞાનિકોએ વિકસીત કરી છે. આ અદભૂત ‘એર રાઈટીંગ’ ટેકનીક. આ બહેરા-મુંગા, અંધ અને શારીરિક અક્ષમ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબીત થશે.
ટ્રિપલ આઈટીના માહિતી ટેકનોલોજી વિભાગના ડો.મોહમ્મદ જાવેદ અને સંશોધન છાત્ર અપૂર્વા ચક્રવર્તી દ્વારા વિકસીત આ ટેકનીક સેન્સર કોમ્પ્યુટર વિઝન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મુક્ત ડીપ લર્નિંગ પર આધારિત છે. તેમાં આંગળીની હલચલને ઓળખી તેને ડિઝીટલ ટેકસ્ટમાં બદલી દેવામાં આવે છે.

આ બાબતનું તેમનું સંશોધનપત્ર યુરોપના એક પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયું છે. હવે તેના પેટન્ટની તૈયારી ચાલી રહી છે.

ડો. જાવેદે જણાવ્યું હતું કે એર રાઈટીંગ ટેકનીકમાં વ્યક્તિ પોતાની આંગળી કે પેનથી હવામાં આકૃતિ બનાવે છે. આ ઘટનાને સામે લાગેલ સેન્સરયુક્ત કેમેરા ઓળખી લે છે. ત્યાંથી આ સૂચના કોમ્પ્યુટરમાં ફીડ ડેપ લર્નિંગયુક્ત સોફટવેર સુધી પહોંચે છે.

આ સોફટવેરની મદદથી આંગળી કે પેનના વળાંકો (ખાસ રીતે બનાવવામાં આવેલ આકૃતિની દિશા) ડિજીટલ ટેકસ્ટ તરીકે પરિવર્તિત થઈને કોમ્પ્યુટરની સ્ક્રીન પર ઉભરી જાય છે.

ડો.જાવેદે વધુમાં જણાવ્યું હતું કે આ ટેકનીકનો શિક્ષણ, બેન્કીંગ, વર્ચ્યુઅલ રિયાલિટીમાં જાહેર સેવાઓમાં ઉપયોગ કરી શકાય છે. ડો. અપુર્વાએ જણાવ્યું હતું કે આ ટેકનીક લોકોમોટર વિકાર અને આંશિક પક્ષઘાતનો સામનો કરનાર માટે નવી આશા બનશે. આંગળીની હરકતો કે સૂક્ષ્મ ઈશારાથી તેઓ પોતાના વિચારો ડિજીટલી વ્યક્ત કરશે.






