સરકાર ટોલ પ્લાઝા પર યુપીઆઈ આધારીત ડાયનેમિક કયુઆર કોડ સિસ્ટમ લગાવી ટોલ વસૂલશે : જેનાથી ગેરકાયદે વસુલી પર રોક લાગશે

કેન્દ્ર સરકાર ટોલ પ્લાઝા પર ડાયનેમિક કયુઆર કોડ સિસ્ટમ લગાવીને એક તીરથી બે શિકાર કરશે.

આથી ટોલ પ્લાઝા કર્મચારી ફાસ્ટેગ વિનાના વાહનો પાસેથી ગેરકાયદે વસુલી નહિં કરી શકે. જયારે ટોલ ટેકસ વસ્તુમાં સંગ્રહીત થનાર આવક ઓટોમેટીક ટોલ અને સરકારના ખાતામાં જમા થઈ જશે.

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે 15 ઓકટોબરે યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) આધારીત ટોલ સંગ્રહ વ્યવસ્થા સંબંધી સ્ટાર્ન્ડડ સંચાલન પ્રક્રિયા (એસઓપી) જાહેર કરી છે તેમાં ઉલ્લેખ છે કે દેશભરનાં બધા 1150 ટોલપ્લાઝા પર ડાયનેમિક કયુઆર કોડ ડીસ્પ્લે (18 ઈંચના એલઈડી મોનિટર) લગાવવામાં આવશે.

ફાસ્ટેગ વિનાના વાહન ચાલક આ સ્ક્રિન પર જનરેટ થનાર ડાયનેમિક કયુઆર કોડને સ્કેન કરીને ટોલ ટેકસનું પેમેન્ટ કરી શકશે. આ કામ 31 ઓકટોબર સુધીમાં પુરૂ કરી લેવામાં આવશે. એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે સ્ક્રીનો પર પ્રદર્શિત થનાર ડાયનેમિક કયુઆર કોડ દરેક લેવડ-દેવડ માટે યુનિક હિસાબ-કિતાબ રાખશે અને ટોલ ચાર્જની ચોકકસ રકમ દેખાડશે.

આનાથી ટોલ ઓપરેટરો દ્વારા ખોટો ચાર્જ માંગવા કે વધુ રકમ વસુલવાની સંભાવના પૂરી રીતે ખતમ થઈ જશે. આ સિસ્ટમ સુરક્ષિત અને રિયલ ટાઈમમાં પેમેન્ટને પ્રોસેસ કરશે. આથી ટોલ કલેકશનમાં કોઈપણ પ્રકારના વિલંબ કે રેકોર્ડની ગરબડની સંભાવના લગભગ ખતમ થઈ જશે. ડીજીટલ પેમેન્ટથી મેન્યુઅલ હેન્ડલીંગ ઘટી જશે જેથી પૈસાનાં દુરૂપયોગ પર રોક આવશે. ટોલ કલેકશનનાં કામમાં દક્ષતા વધશે.



















