
ચીની વૈજ્ઞાનિકોએ બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ(BCI) ટેકનોલોજીમાં ક્રાંતિકારી સફળતા મેળવી છે. ચીને ઈલોન મસ્ક-Remoteની કંપની ‘ન્યુરાલિંક’ને પાછળ છોડીને એક લકવાગ્રસ્ત વ્યક્તિને માત્ર વિચારશક્તિથી રોબોટિક ઉપકરણો અને કોમ્પ્યુટર કંટ્રોલ કરવામાં સક્ષમ બનાવી છે.

ચીની વૈજ્ઞાનિકોએ બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ(BCI) ક્ષેત્રે એક ક્રાંતિકારી સિદ્ધિ હાંસલ કરી છે, જેનાથી હવે સાયન્સ ફિક્શન ફિલ્મોના દ્રશ્યો વાસ્તવિકતામાં ફેરવાઈ રહ્યા છે. ‘ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સીસ'(CEBSIT)ના નિષ્ણાતોએ એક અત્યાધુનિક વાયરલેસ ઉપકરણ વિકસાવ્યું છે, જે સંપૂર્ણપણે લકવાગ્રસ્ત વ્યક્તિને માત્ર મગજના તરંગો દ્વારા કોમ્પ્યુટર, સ્માર્ટ વ્હીલચેર અને રોબોટિક ડિવાઈસને નિયંત્રિત કરવાની શક્તિ આપે છે.

આ ટેકનોલોજીની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગંભીર ઈજાને કારણે હલનચલન ગુમાવી દેનાર દર્દી હવે વિચાર માત્રથી કોમ્પ્યુટર કર્સર ચલાવીને વ્યવસાયિક કામ કરી રહ્યો છે અને નોકરી દ્વારા કમાણી પણ કરી રહ્યો છે. ઈલોન મસ્કની ‘ન્યુરાલિંક’ ને ટક્કર આપતી આ સિદ્ધિ લકવાગ્રસ્ત લોકો માટે આત્મનિર્ભરતાનું નવું કિરણ લઈને આવી છે, કારણ કે આ ટેકનોલોજી હવે પ્રયોગશાળાની બહાર નીકળીને વાસ્તવિક જીવન અને રોજગારમાં ઉપયોગી સાબિત થઈ રહી છે.

અકસ્માતે છીનવી લીધી હતી શક્તિ, ટેકનોલોજીએ આપી નવી આશા
વર્ષ 2022માં ઊંચાઈ પરથી પડવાને કારણે મિસ્ટર ઝાંગ નામના વ્યક્તિની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે ગરદનથી નીચેનો તેમનો આખો દેહ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. લાંબી સારવાર બાદ પણ કોઈ સુધારો ન થતા તેઓ ચીની વૈજ્ઞાનિકોના ક્લિનિકલ ટ્રાયલમાં જોડાયા. જૂન 2025માં શાંઘાઈની હોસ્પિટલમાં તેમના મગજમાં WRS01 નામનું વાયરલેસ ડિવાઈસ લગાવવામાં આવ્યું. આ નાનકડી ચિપ ખોપરીની અંદર ફિટ કરવામાં આવી છે.

વિચાર માત્રથી કામ કરી મેળવે છે પગાર
ચીની વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત આ બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ ટેકનોલોજીની સૌથી ક્રાંતિકારી બાબત એ છે કે તે પ્રયોગશાળાના મર્યાદિત વાતાવરણમાંથી બહાર નીકળીને હવે વાસ્તવિક જીવનમાં પ્રાયોગિક ધોરણે ઉપયોગમાં લેવાઈ રહી છે. તેનું જીવંત ઉદાહરણ મિસ્ટર ઝાંગ છે, જેઓ ગંભીર લકવા છતાં હવે એક ‘ઇન્ટર્ન સોર્ટર’ તરીકે નોકરી કરી રહ્યા છે. તેઓ પોતાના મગજના તરંગોથી કોમ્પ્યુટર કર્સરને નિયંત્રિત કરી પ્રોડક્ટ સોર્ટિંગનું ડિજિટલ કામ કરે છે અને તે દ્વારા આત્મનિર્ભર બની પૈસા કમાઈ રહ્યા છે. આ ટેકનોલોજી માત્ર કોમ્પ્યુટર પૂરતી સીમિત નથી, પરંતુ તે સ્માર્ટ વ્હીલચેર અને રોબોટિક ડોગ જેવા ભૌતિક ઉપકરણો સાથે પણ જોડાયેલી છે. ઝાંગ મગજથી આદેશ આપીને રોબોટિક ડોગ પાસે ખાવાનું મંગાવી શકે છે અને પોતાની વ્હીલચેરને પણ વિચાર માત્રથી ઓપરેટ કરી શકે છે.

આ ટેકનોલોજીની સફળતા પાછળનું મુખ્ય કારણ તેની અદભૂત સ્પીડ છે. સામાન્ય રીતે માનવ શરીરમાં સિગ્નલ પહોંચવામાં 200 મિલિસેકન્ડનો સમય લાગે છે, પરંતુ ચીની ટીમે મગજ અને મશીન વચ્ચેના આ સંવાદને 100 મિલિસેકન્ડથી પણ ઓછો કરી દીધો છે, જેના કારણે ઉપકરણો પરનો કંટ્રોલ એકદમ કુદરતી અને ઝડપી લાગે છે. ઈલોન મસ્કની ‘ન્યુરાલિંક’ હજુ પ્રાથમિક તબક્કે ગેમ્સ અને સાદા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ત્યારે ચીને 5G/6G નેટવર્ક, એડવાન્સ ચિપ મેકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના સંકલન દ્વારા આ ક્ષેત્રમાં મસ્કને પાછળ છોડી દીધા છે.

ભવિષ્યમાં આ ટેકનોલોજી વધુ સચોટ અને વ્યાપક બનવાની તૈયારીમાં છે. વૈજ્ઞાનિકો હાલમાં નવી ‘WRS02’ સિસ્ટમ પર કામ કરી રહ્યા છે, જે 256 ચેનલ્સ સાથે સજ્જ હશે. આ એડવાન્સ સિસ્ટમની મદદથી લકવાગ્રસ્ત વ્યક્તિ જે બોલવા માંગતી હશે, તેના મગજના સિગ્નલને ડિકોડ કરીને સીધા અવાજમાં રૂપાંતરિત કરી શકાશે. આનો અર્થ એ છે કે જે લોકો બોલવાની ક્ષમતા ગુમાવી ચૂક્યા છે, તેઓ ભવિષ્યમાં માત્ર વિચારીને અન્ય લોકો સાથે સંવાદ સાધી શકશે, જે મેડિકલ સાયન્સના ઇતિહાસમાં એક મોટી સીમાચિહ્નરૂપ ઘટના સાબિત થશે.

ઈલોન મસ્કની ન્યુરાલિંક કરતા આગળ કેમ?
ઈલોન મસ્કની કંપની ‘ન્યુરાલિંક’ હજુ ગેમ્સ અને સાદા કામોના ટ્રાયલ સુધી મર્યાદિત છે, જ્યારે ચીનની આ ટેકનોલોજી વાસ્તવિક જીવન અને રોજગારમાં વપરાવા લાગી છે. ચીનમાં 5G/6G નેટવર્ક, એડવાન્સ ચિપ મેકિંગ અને AIના સુમેળને કારણે આ પ્રગતિ મસ્ક કરતા વધુ ઝડપી હોવાનું મનાય છે.

ભવિષ્ય: મગજથી સીધું બોલી શકાશે
વૈજ્ઞાનિકો હવે WRS02 સિસ્ટમ પર કામ કરી રહ્યા છે, જેમાં 256 ચેનલ્સ હશે. આ નવી સિસ્ટમ દ્વારા લકવાગ્રસ્ત વ્યક્તિ શું બોલવા માંગે છે તે તેના મગજના સિગ્નલ પરથી જ ડિકોડ કરી શકાશે.



