HomeAllઈરાન વૉરનું કોકડું વધુ ગૂંચવાયું, ટ્રમ્પથી થઈ ગઈ મોટી ભૂલ?

ઈરાન વૉરનું કોકડું વધુ ગૂંચવાયું, ટ્રમ્પથી થઈ ગઈ મોટી ભૂલ?

અત્યારસુધી અનેક યુદ્ધ રોકાવી પોતાને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ તેવી માગ કરતા ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન પર અટેક કરીને શું મોટી ભૂલ કરી બેઠા છે? જે રીતે આ યુદ્ધ લાંબુ ખેંચાતું દેખાઈ રહ્યું છે તેનાથી હવે આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. અમેરિકાના પ્રેસિડેન્ટને કદાચ એવો વ્હેમ હતો કે પોતે જેમ વેનેઝુએલા પર રાતોરાત હુમલો કરી તેના પ્રેસિડેન્ટ મદુરોને ઉઠાવી લીધા હતા તેવી જ રીતે ઈરાનમાં પણ સુપ્રીમ લીડર ખૌમનીને ખતમ કરીને તેનીમ આર્મીને ઘૂંટણીયે પાડી દેવાશે.

જોકે, ટ્રમ્પની આ ગણતરી ખૂબ જ ભયાનક રીતે ખોટી પડતી દેખાઈ રહી છે અને ઈરાન વૉરને કારણે હવે ગ્લોબલ ઈકોનોમી સામે અનિશ્ચિતતાનું નવું અને ઘણું મોટું જોખમ ઉભું થઈ રહ્યું છે. છેલ્લા એકાદ-બે મહિનાથી અમેરિકા જે રીતે ઈરાનની આસપાસ પોતાના યુદ્ધ જહાજ તેમજ સૈન્ય તૈનાત કરી રહ્યું હતું તેનાથી ગમે ત્યારે યુદ્ધ થશે તે નક્કી થઈ ગયું હતું અને આવું કંઈ થાય ત્યારે શું કરવાનું છે તેનો પ્લાન પણ ઈરાન પાસે પહેલાથી જ તૈયાર હતો.

કેટલાક રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર 86 વર્ષના ખૌમનીને પોતાને પણ અંદાજો આવી ગયો હતો કે અમેરિકા હવે તેમને વધારે જીવવા નહીં દે. તેથી જ દેશ પર હુમલો થાય અને ટોચની લીડરશિપને ટાર્ગેટ બનાવાય તેવી સ્થિતિનો સામનો કરવા તેમણે ચાર લેયરનો સક્સેશન પ્લાન એટલે કે પોતાના ગયા પછી કોને સત્તા મળશે તેનું આયોજન કરી રાખ્યું હતું. એટલું જ નહીં પોતાના તમામ મંત્રીઓ અને સિનિયર અધિકારીઓને પણ ખૌમનીએ આ જ રીતે તેમના અનુગામીના નામ નક્કી કરી લેવાનો આદેશ ઘણા સમય પહેલા જ આપી દીધો હતો.

આ જ કારણે ખૌમનીના મોત બાદ પણ ઈરાન અમેરિકા અને ઈઝરાયેલને જરાય મચક નથી આપી રહ્યું અને ફેબ્રુઆરી 28ના રોજ શરૂ થયેલું યુદ્ધ ખૂબ જ ખતરનાક બની રહ્યું છે. હવે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે પોતાના ધાર્યા કરતાં ઈરાન વધુ શક્તિશાળી નીકળતા અમેરિકા મિડલઈસ્ટમાં વધારાના લશ્કરી દળો મોકલી રહ્યું છે. અત્યારસુધીમાં અમેરિકન લશ્કરના છ સર્વિસ મેમ્બર્સના પણ આ યુદ્ધમાં મોત થઈ ચૂક્યા છે તેમજ મિડલઈસ્ટમાં પણ જાણે લોકડાઉન લાગી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

સોમવારે જ ટ્રમ્પ અને તેમના ટોચના અધિકારીઓએ વોર્નિંગ આપી હતી કે ઈરાન સામેનું યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે અને તે ચારથી પાંચ વીક સુધી ચાલી શકે છે. યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે શરૂઆતથી જ આ કાર્યવાહી ચારથી પાંચ વીક સુધી ચાલે તેવો અંદાજ હતો અને અમેરિકા તેનાથી પણ વધુ લાંબી લડાઈ લડવા માટે તૈયાર છે.

વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પણ ઈરાનને ચેતવણી આપતા કહ્યું હતું કે મોટા હુમલા થવાના હજુ બાકી છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાનની બેલાસ્ટિક મિસાઈલ ક્ષમતાઓને નેસ્તાનાબૂદ કરવા સહિતના લક્ષ્યાંકોને હાંસલ ના કરી લેવાય ત્યાં સુધી આ યુદ્ધ પૂરું નહીં થાય. શનિવારથી મંગળવાર સુધીના ગાળામાં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હજારો બોંબ અને મિસાઈલ્સ વરસાવ્યા છે જેમાં 500 લોકોના મોત થયા છે અને મૃતકોમાં ઈરાનના ટોચના નેતાઓ અને લશ્કરી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

તો બીજી તરફ ઈરાન ઈઝરાયેલ સહિતના દેશો પર આવેલા અમેરિકન લશ્કરી થાણાં પર ડ્રોન્સ અને મિસાઈલ્સ છોડીને જવાબ આપી રહ્યું છે, ઈરાન દ્વારા કરાયેલા હુમલામાં ઈઝરાયેલમાં 10 લોકોના મોત થયા છે જ્યારે તે સિવાયના દેશોમાં પણ જાનહાનિના અહેવાલ છે, આ ઉપરાંત અમેરિકન એરફોર્સને પણ કેટલાક ફાઈટર જેટ્સ ગુમાવવા પડ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!