HomeAllઈરાન યુદ્ધને કારણે ઈન્ડિયામાં નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ!

ઈરાન યુદ્ધને કારણે ઈન્ડિયામાં નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ!

ઈરાન વૉરને કારણે હોર્મુઝની ખાડીમાંથી ઓઈલ ટેન્કરોનું પસાર થવાનું મુશ્કેલ થઈ જતાં ઈન્ડિયા સહિતના દેશોમાં આગામી દિવસોમાં ક્રુડ ઓઈલની તંગી ઉભી થવાનું જે સંકટ પ્રવર્તી રહ્યું હતું તે કદાચ હાલ પૂરતું ટળી ગયું છે. આપણો દેશ પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રુડ આયાત કરે છે અને હાલના દિવસોમાં તેનો સૌથી વધુ સપ્લાય ગલ્ફ દેશોમાંથી જ આવી રહ્યો છે. આપણી પાસે 30 દિવસ સુધી ચાલે તેટલો જ ક્રુડનો સ્ટોક છે અને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક તો તેનાથી પણ ઓછો છે. એનર્જી ક્રાઈસિસના એંધાણ વધુ ઘેરા બનતાં શુક્રવારે દુનિયાભરના સ્ટોક માર્કેટ્સમાં પણ ભારે કડાકો જોવા મળ્યો હતો.

જો આ યુદ્ધ લાંબુ ચાલે તો ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળે તેવી શક્યતા પણ છે પરંતુ હાલ તુરંત આવું કંઈ નહીં થાય કારણકે અમેરિકાએ ઈન્ડિયાને એક મહિના માટે રશિયા પાસેથી ક્રુડ ખરીદવાની છૂટ આપી દીધી છે. વૉરને કારણે મિલિયન્સ ઑફ બેરલ્સ ક્રુડ ઓઈલ અને નેચરલ ગેસનો સ્ટોક હોર્મુઝની ખાડીમાં અટવાઈ ગયો છે, અને ઈન્ડિયાનો અડધોઅડધ સપ્લાય આ જ રૂટ પરથી આવે છે. ઈરાને હોર્મુઝમાંથી પસાર થતાં કોઈપણ ઓઈલ ટેન્કરને ફુંકી દેવાશે તેવી ધમકી આપતા ઈન્શ્યોરન્સ કંપનીઓએ જહાજોને વીમો આપવાની શરતો આકરી બનાવી દીધી છે, તેવી જ રીતે ટ્રમ્પે યુએસ નેવી જહાજોને એસ્કોર્ટ કરશે તેવી ખાતરી આપ્યા બાદ પણ શિપિંગ કંપનીઓ કોઈ રિસ્ક લેવા તૈયાર નથી.

અગાઉ અમેરિકાએ જ રશિયન ક્રુડની ખરીદી બદલ ઈન્ડિયા પર આકરો ટેરિફ લગાવ્યો હતો અને 2026 શરૂ થયું તે પહેલા જ અમેરિકાના પ્રેશરને કારણે ઈન્ડિયાએ રશિયા પાસેથી સસ્તું ક્રુડ ખરીદવાનું બંધ કર્યું હતું. અમેરિકાની એવી દલીલ હતી કે ઈન્ડિયા અને ચીન જેવા દેશોને સસ્તામાં ક્રુડ વેચીને રશિયા જે આવક મેળવે છે તેનો ઉપયોગ યુક્રેન સામે યુદ્ધ લડવા માટે કરવામાં આવી રહ્યો છે. રશિયા બજાર ભાવ કરતાં ઈન્ડિયાને સસ્તાં ક્રુડ આપતું હતું પરંતુ ટ્રમ્પને નારાજ કરવાનું પોસાય તેમ ના હોવાથી તેની આયાત અટકાવી દેવાઈ હતી.

જોકે, ઈરાન વૉરને કારણે ફરી રશિયન ક્રુડનો સપ્લાય શરૂ થઈ શકે છે, યુદ્ધ શરૂ થયું ત્યારબાદ રશિયાએ પણ ઈન્ડિયાને મિલિયન્સ ઑફ ક્રુડનો સપ્લાય પૂરો પાડવાની તૈયારી બતાવી હતી અને અમેરિકાએ છૂટ આપી દેતા હવે તેના માટેનો રસ્તો સાફ થઈ ગયો છે.એક અંદાજ અનુસાર હાલ 145 મિલિયન બેરલ જેટલાં રશિયન ક્રુડ સાથેના ટેન્કર્સ અલગ-અલગ લોકેશન્સ પર દરિયામાં છે, રશિયા આ ટેન્કર્સને ઈન્ડિયા ડાયવર્ટ કરી શકે છે અને તેને ઈન્ડિયા પહોંચવામાં પણ ગણતરીના દિવસોનો જ સમય લાગે તેમ છે.

ઈન્ડિયા પોતાની જરૂરિયાનું 90 ટકા ક્રુડ બહારથી મગાવે છે અને તેમાંથી અડધોઅડધ સપ્લાય એટલે કે રોજનું લગભગ અઢી મિલિયન બેરલ જેટલું ઓઈલ હોર્મુઝની ખાડીમાંથી આવે છે અને ઈરાક, સાઉદી, UAE અને કુવૈત તેના સૌથી મોટા સપ્લાયર્સ છે. તો બીજી તરફ રશિયાથી આવતું ક્રુડ ઈન્ડિયાની કુલ આયાતમાં લગભગ 20 ટકા જેટલો હિસ્સો ધરાવતું હતું.ક્રુડની શોર્ટેજને કારણે જો પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તો ઈન્ડિયામાં મોંઘવારીમાં પણ વધારો થઈ શકે છે જેથી તેનો સપ્લાય સુનિશ્ચિત કરવો ખૂબ જ જરૂરી છે.

ઈન્ડિયા રશિયા પાસેથી ક્રુડ ખરીદી શકશે તેવી જાહેરાત કરવાની સાથે અમેરિકાએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે હાલ જે રશિયન ક્રુડ ટેન્કર્સમાં લોડ થઈ ચૂકેલું છે અને દરિયાઈ રૂટ પર અટવાયેલું છે તે જ ક્રુડને ઈન્ડિયા મોકલી શકાશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ રશિયન ક્રુડ ખરીદવા પર 2025માં 25 ટકા પેનલ્ટી સાથે કુલ 50 ટકા ટેરિફ લગાવી દીધો હતો અને 2026માં જ બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થતાં તેનું પ્રમાણ 18 ટકા થયું હતું પરંતુ ત્યારબાદ અમેરિકાની સુપ્રીમ કોર્ટે જ ટેરિફને ગેરકાયદે ગણાવી તેને રદ કરવાનો આદેશ કર્યો હતો. ટ્રેડ ડીલ થઈ ત્યારે ટ્રમ્પે એવી જાહેરાત કરી હતી કે ઈન્ડિયા રશિયન ક્રુડની ખરીદી બંધ કરવા માટે તૈયાર થઈ ગયું છે પરંતુ ઈન્ડિયાએ ક્યારેય તેની સત્તાવાર રીતે પુષ્ટિ નથી કરી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!