
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઊર્જા સુરક્ષા હવે વૈશ્વિક ચિંતા બની ગઈ છે. ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષે હવે એક નવા પ્રકારના `ઊર્જા યુદ્ધ’નું સ્વરૂપ લઈ લીધું છે. આ સમગ્ર સંકટના કેન્દ્રમાં છે સાઉથ પાર્સ ગેસ ફીલ્ડ, જે માત્ર ઈરાન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ ઊર્જા સ્ત્રોત છે.

શું છે સાઉથ પાર્સ ગેસ ફીલ્ડ?
સાઉથ પાર્સ ગેસ ફીલ્ડ દુનિયાનું સૌથી મોટું કુદરતી ગેસ ભંડાર માનવામાં આવે છે. આ ગેસ ફીલ્ડ ફારસની ખાડીના તળિયે આવેલું છે અને તેને ઈરાન અને કતર બંને દેશો વહેંચે છે. કતરની બાજુના ભાગને `નોર્થ ફીલ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ ગેસ ક્ષેત્ર લગભગ 9,700 ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. અંદાજ મુજબ અહીં લગભગ 1800 ટ્રિલિયન ક્યુબિક ફૂટ (અંદાજે 51 ટ્રિલિયન ક્યુબિક મીટર) જેટલો કુદરતી ગેસ ઉપલબ્ધ છે.

આ પ્રમાણ એટલું વિશાળ છે કે તે વિશ્વની ઊર્જાની જરૂરિયાતને લાંબા સમય સુધી પૂરી કરી શકે છે. આ ગેસ ફીલ્ડની શોધ વર્ષ 1971માં થઈ હતી અને 2002 પછીથી અહીં વ્યાપક સ્તરે ઉત્પાદન શરૂ થયું. આજના સમયમાં ઈરાનના કુલ ગેસ ઉત્પાદનનો મોટો ભાગ અહીંથી આવે છે.

ઈરાન માટે કેમ લાઈફલાઈન છે?
સાઉથ પાર્સ ઈરાનની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. આ ગેસ ફીલ્ડ ઈરાનની ઘરેલુ ઊર્જાની જરૂરિયાતનો લગભગ 70 ટકા ભાગ પૂરું કરે છે. ઉપરાંત, ઈરાન આ ગેસનો ઉપયોગ અન્ય દેશો, ખાસ કરીને તુર્કી અને ઈરાક,ને સપ્લાય કરવા માટે પણ કરે છે.

2025માં અહીંથી દરરોજ આશરે 730 મિલિયન ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થયું હતું, જે એક રેકોર્ડ ગણાય છે. આ ગેસ ફીલ્ડમાંથી મળતી આવક ઈરાનના સરકારી ખર્ચ, ઔદ્યોગિક વિકાસ અને તેની સૈન્ય ક્ષમતાઓ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો સાઉથ પાર્સ પર ગંભીર અસર પડે, તો ઈરાનની આર્થિક અને ઊર્જા વ્યવસ્થા બંને હચમચી શકે.

કતર અને વૈશ્વિક LNG બજાર માટે મહત્વ
સાઉથ પાર્સનો કતરના ભાગને `નોર્થ ફીલ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે, અને આ કતરના LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) ઉદ્યોગનો આધાર છે. કતર વિશ્વના સૌથી મોટા કગૠ નિકાસકાર દેશોમાંનો એક છે.

કતરથી યુરોપ, એશિયા અને અન્ય વિસ્તારોમાં ગેસની સપ્લાય થાય છે. ખાસ કરીને યુરોપ માટે, જ્યાં રશિયા પરની નિર્ભરતા ઘટાડી રહી છે, કતારનો LNG ખૂબ મહત્ત્વનો બની ગયો છે. આથી, આ ગેસ ફીલ્ડમાં કોઈપણ વિક્ષેપ માત્ર ઈરાન અથવા કતર પૂરતો મર્યાદિત નથી રહેતો, પરંતુ તેની અસર વૈશ્વિક ઊર્જા બજાર પર પડે છે.

જો સાઉથ પાર્સને નુકસાન થાય તો શું થશે?
જો આ ગેસ ફીલ્ડને ગંભીર નુકસાન થાય, તો તેની અસર લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. આ પ્રકારની વિશાળ ઊર્જા સુવિધાઓને ફરી કાર્યરત કરવા માટે વર્ષો લાગી શકે છે.

આથી, આ સંકટ માત્ર પ્રાદેશિક નહીં પરંતુ વૈશ્વિક છે. આ સંકટથી વૈશ્વિક ઊર્જા સપ્લાયમાં ઘટાડો થશે, ગેસ અને તેલના ભાવમાં ભારે વધારો થશે, ઔદ્યોગિક ઉત્પાદન પર અસર પડશે, ગરીબ અને વિકસતા દેશોમાં ઊર્જા સંકટ ઊભું થશે.












