
આકાશમાં ઘણી વાર કંઈકને કંઈક થતું હોય છે. કેટલીક ઇવેન્ટ એવી હોય છે જે આપણને નરી આંખે પણ જોઈ શકાય છે. થોડા દિવસ પહેલાં જ ચંદ્ર અને જ્યુપિટર એકમેકની નજીક આવ્યા હતા અને એની પણ લોકોએ મજા માણી હતી. હવે એક નવી ઇવેન્ટ 13 ડિસેમ્બર એટલે કે શનિવારે રાતે થવા જઈ રહી છે. એને ઉલ્કાવર્ષા પણ કહેવાય છે, પરંતુ વિજ્ઞાનની ભાષામાં એને જેમિનિડ મીટિયોર શાવર કહેવાય છે. આ ઇવેન્ટને જોવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય અંધારું થાય ત્યારથી લઈને વહેલી સવાર સુધીનો છે.

શું છે જેમિનિડ મીટિયોર શાવર?
જેમિનિડ મીટિયોર શાવર એક અલગ જ ઇવેન્ટ છે. લઘુગ્રહ 3200 Phaethonમાંથી આ જેમિનિડ મીટિયોર છૂટા પડ્યા છે. આ એક પથ્થરિયાળ લઘુગ્રહ છે નહીં કે બરફનો. આથી એમાંથી ઘણું ડેબ્રિસ છૂટું પડ્યું છે. સરળ ભાષામાં કહીએ તો પથ્થર છૂટા પડ્યા છે. આ પથ્થર એક સાથે અંતરિક્ષમાં રહે છે. આ પથ્થર જ્યારે પૃથ્વીની નજીક આવે છે અને આકાશ સાથે એનું ઘર્ષણ થાય છે ત્યારે તે તૂટે છે અને એને કારણે એક મોટો લિસોટો પડે છે. આ લિસોટા પરથી એવું લાગે છે કે વિજળી પડી હોય અથવા તો તારો તૂટી ગયો હોય. આ લિસોટોના વિવિધ કલર હોઈ શકે છે. એથી એક રીતે જોઈએ તો આકાશમાં કુદરતી આતશબાજી થઈ જોવા મળે છે. આ ઇવેન્ટમાં એક કલાકની અંદર 100થી વધુ મીટિયોર જોવા મળે છે.

જેમિનિડ મીટિયોર જોવા માટેની ટીપ્સ
જેમિનિડ મીટિયોર શાવર દુનિયાના મોટાભાગની જગ્યાએ દેખાઈ છે અને એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. એને ખૂબ જ સારી રીતે જોવા માટે અંધારી જગ્યાને પસંદ કરવી. શહેરની લાઇટથી દૂર કોઈ જગ્યા પસંદ કરવી. ખુલ્લું ગ્રાઉન્ડ અથવા તો હિલ સ્ટેશન જોવા માટે ઉત્તમ છે. આકાશમાં સતત નજર રાખવી કારણ કે મીટિયોર કોઈ પણ જગ્યાએ થઈ શકે છે. આથી એક જ જગ્યાએ નજર નહીં રાખવી. ટેલિસ્કોપ અને બાયનોક્યુલરનો ઉપયોગ કરતાં એ નહીં જોઈ શકાય કારણ કે એના કારણે વિઝન નાનું થઈ જાય છે. મીટિયોર શાવર જોવા માટે આકાશનો જેટલો ભાગ જોઈ શકાય એટલો જોવો જોઈએ.

જેમિનિડ મીટિયોર જોવા માટે શું તૈયારી કરશો?
આ ઇવેન્ટને સંપૂર્ણ રીતે જોવા માટે વ્યક્તિએ ઊભા રહી અથવા તો બેસીને જોવા કરતાં રિક્લાઇનર ચેરનો ઉપયોગ કરવો. જો એ ન હોય તો જમીન પર મેટ અથવા તો સાદળી પાથરીને સૂઈ જવું. સૂતા-સૂતા જોવાથી ગરદન દુખશે નહીં અને આકાશનો મોટાભાગનો ભાગ કવર થઈ જશે. આ માટે વ્યક્તિ ખૂબ જ લાંબો સમય બહાર રહેવું પડી શકે છે. આથી ગરમ કપડાં પહેરવા જરૂરી છે. ઠંડીથી પોતાને બચાવી રાખવું ખૂબ જ જરૂરી છે. કેટલાક મીટિયોર એક ફ્લેશ લાઇટ જેવા હોય છે, પરંતુ જો મોટા પથ્થર હોય તો એક એક ફાયરબોલ જેવા પણ દેખાઈ શકે છે. આ જો કોઈને જોવા મળ્યા તો તેમને લાઇફ-ટાઇમની મેમરી રહી શકે છે.

આ સાથે મહત્વની વાત કે મીટિયોર જોતા પહેલાં 20-30 મિનિટ મોબાઇલ, ટીવી અથવા તો લેપટોપ એટલે કે સ્ક્રીન ધરાવતી કોઈ પણ ડિવાઇસનો ઉપયોગ કરવો નહીં. એના કારણે નાઇટ વિઝન પર અસર થાય છે. તેમ જ મીટિયોર જોવા માટે ઇસ્ટથી લઈને નોર્થઇસ્ટ સુધીનું આકાશમાં વધુ જોવાના ચાન્સ રહેલા છે. જો વાદળ અથવા તો ધુમ્મસ રહ્યું તો આ મજા બગડી શકે છે. આથી આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જરૂરી છે.





