
ગૂગલ પર તેના જેમિની આસિસ્ટન્ટને લઈને કેસ કરવામાં આવ્યો છે. ગૂગલ પર આરોપ છે કે જેમિનીની મદદથી કંપની હવે જીમેલ, ચેટ અને મીટ દ્વારા યુઝરની પરવાનગી વગર ડેટા કલેક્ટ કરી રહી છે. ફરિયાદી દ્વારા કહેવામાં આવ્યું છે કે કંપની દ્વારા પ્રાઇવસીના કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. તેમણે યુઝરની પરવાનગી વગર દરેક પ્લેટફોર્મમાં AI ટૂલનો સમાવેશ કર્યો છે. આથી ફરિયાદી દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે ગૂગલ યુઝરના કમ્યુનિકેશન અને પર્સનલ માહિતીને કલેક્ટ કરી રહ્યું છે અને એ પણ ઈમેલ, મેસેજ અને વીડિયો કોલ દ્વારા.

ડેટા કલેક્શન અને પ્રાઇવસીનું ઉલ્લંઘન
ગૂગલ પર થયેલા કેસમાં કહેવામાં આવ્યું છે કે પેરેન્ટ કંપની આલ્ફાબેટ દ્વારા જેમિનીને જીમેલ, ચેટ અને મીટમાં ઑક્ટોબરમાં શરુ કરવામાં આવ્યું છે એ પણ યુઝરની પરવાનગી વગર. અગાઉ યુઝર આસિસ્ટન્ટનો ઉપયોગ ન કરવો હોય તો એ કરી શકતા હતા. જોકે ગૂગલ દ્વારા હવે એને દરેક માટે શરુ કરી દેવામાં આવ્યું છે. આથી એને કારણે જેમિની દરેક પ્લેટફોર્મની મદદથી તમામ ડેટા કલેક્ટ કરી રહી છે.

પ્રાઇવેટ મેસેજને કરવામાં આવી રહ્યા છે સ્ટોર?
ગૂગલ પર કરવામાં આવેલા પ્રાઇવસીના ઉલ્લંઘનમાં તેના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે જેમિની દ્વારા દરેક વસ્તુને સ્કેન કરવામાં આવે છે. તેમ જ એકદમ પ્રાઇવેટ મેસેજને સ્ટોર કરવામાં આવે છે. આ વિશે ગૂગલનું કહેવું છે કે યુઝરને તેનું પર્સનલ કમ્યુનિકેશન સિક્યોર છે એની લઈને ખોટી માહિતી છે. કંપની દ્વારા તેના AI ફીચર દ્વારા યુઝર્સને વધુ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જોકે તેના પર કરવામાં આવેલી ફરિયાદ સાચી પડી તો ગૂગલને નાણાકીય રીતે ખૂબ જ મોટો દંડ થઈ શકે છે.

યુઝરના ડેટાને કલેક્ટ કરતી કંપનીઓ માટે ચિંતાનો વિષય
આ કેસને કારણે યુઝરના ડેટાને હેન્ડલ કરતી દરેક કંપનીઓ ચિંતામાં છે. નવા ફીચરને રજૂ કરવા માટે તેમણે ખૂબ જ પારદર્શકતા રાખવી પડી રહી છે. રેગ્યુલેટર અને પ્રાઇવસીને લઈને ચિંતા વ્યક્ત કરનાર દ્વારા હંમેશાં ડિજિટલ કમ્યુનિકેશન પ્લેટફોર્મ પર ડેટાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગૂગલના આ કેસનું શું પરિણામ આવે એના પરથી અન્ય કંપનીઓનું ભવિષ્ય નક્કી થશે.




















