
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને બીઆરસી ભવન મોરબી દ્વારા યોગ, શારીરિક શિક્ષણ અને આનંદમય શનિવાર અંતર્ગત ત્રણ દિવસીય તાલીમનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ–મોરબીના સૌમ્ય અને ઉર્જાસભર વાતાવરણમાં ઉત્સાહપૂર્વક યોજાયું.
તાલીમ દરમ્યાન યોગનું મહત્વ, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ શારીરિક-માનસિક આરોગ્ય મજબૂત બનાવતા પ્રયોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. “આનંદમય શનિવાર” કાર્યક્રમ અંતર્ગત રમતો, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, સર્જનાત્મક કળાઓ અને જીવનકૌશલ્ય વિકાસ અંગે શિક્ષકોને પ્રાયોગિક સમજ આપવામાં આવી.


કાર્યક્રમમાં ચંદ્રકાંતભાઈ બાવરવા દ્વારા પતંજલિ યોગસૂત્રના યમ-નિયમથી લઈને પ્રાણાયામ સુધીના મૂળ તત્ત્વો, શૈલેષભાઈ કાલરીયા દ્વારા ધ્યાનની રીતો, ઉમેશભાઈ બોપલીયા દ્વારા રિફાઇનિંગ એક્સરસાઇઝ તથા નાદ યોગ અને રાજુભાઈ વ્યાસ દ્વારા સૂર્ય નમસ્કાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

તાલીમમાં વિવિધ રમતોનું આયોજન પણ થયું જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલી શિક્ષક મંડળીનું પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોમાં નોંધપાત્ર ઉત્સાહ અને નવી ઉર્જા જોવા મળી.

આ પહેલ થકી શાળાઓમાં શિક્ષણ વધુ આનંદમય, સર્જનાત્મક અને આરોગ્યમુખી બનશે એવી આશા વ્યક્ત થઈ. ત્રણ દિવસીય તાલીમને સફળ બનાવવા મોરબી બીઆરસી કોર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા અને બીઆરસીની સમગ્ર ટીમે સુંદર આયોજન સાથે અસરકારક કામગીરી નિભાવી. તમામ સીઆરસી મિત્રોએ પણ તજજ્ઞ તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.







