
ભારતમાં કરદાતાઓ માટે અભૂતપૂર્વ સુવિધા લાવવા માટે જિયોફાઇનાન્સ એપ પર ફીચર-પેક્ડ ટેક્સ પ્લાનિંગ અને ફાઇલિંગ મોડ્યુલ રજૂ કરવામાં આવ્યાં છે. ભારતના લોકો માટે ટેક્સ પ્લાનિંગ અને ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલિંગને વધુ સરળ, સ્માર્ટ અને સસ્તું બનાવવાના હેતુથી આ નવું ફીચર ટેક્સબડી સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યું છે, તે એક ઓનલાઇન ટેક્સ ફાઇલિંગ અને સલાહ આપતી સેવા છે જે કરદાતાઓને બિલ્ટ-ઇન કમ્પ્લાયન્સ અને નિષ્ણાત સહાય સાથે માર્ગદર્શન સાથે ડિજિટલ-ફર્સ્ટ અનુભવ પૂરો પાડે છે.

આ મોડ્યુલમાં છે 2 મુખ્ય ફીચર્સ
આ મોડ્યુલમાં બે મુખ્ય ફીચર્સનો સમાવેશ થાય છે – ટેક્સ પ્લાનર અને ટેક્સ ફાઇલિંગ. ટેક્સ ફાઇલિંગ ફીચર જૂના અને નવા ટેક્સ રિજિમ વચ્ચેના ગૂંચવાડા જેવી સામાન્ય સમસ્યાઓ દૂર કરવા, 80સી અને 80ડી જેવી કલમો હેઠળની કપાત ચૂકી ન જવાય તેની ખાતરી કરીને ગ્રાહકોને કર બચાવવામાં મદદ કરવા અને ખર્ચાળ વચેટિયાઓ પર વધુ પડતી નિર્ભરતા દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

જાતે જ રિટર્ન ફાઇલ કરવાની સુવિધા
ટેક્સ પ્લાનર વ્યક્તિગત કરદાતાઓને પર્સનલાઇઝ્ડ ડિડક્શન મેપિંગ, હાઉસિંગ રેન્ટ અલાઉન્સનું મૂલ્યાંકન અને અલગ-અલગ ટેક્સ રિજિમની સરખામણીઓ પૂરી પાડીને તેમની ભવિષ્યની કર જવાબદારીઓનો અંદાજ લગાવવા અને કરભારણ ઘટાડવામાં મદદ કરે છે. ટેક્સ ફાઇલિંગ ફીચર યુઝર્સને જાતે જ રિટર્ન ફાઇલ કરવાની અથવા નિષ્ણાતની મદદથી ફાઇલિંગ કરવાના ઓપ્શન્સ આપે છે, જેમાં સેલ્ફ-સર્વિસ ઓપ્શન્સ માટેના પ્લાન્સ ₹24થી શરૂ થાય છે અને અસિસ્ટેડ ઓપ્શન્સ માટેના પ્લાન્સ ₹999થી શરૂ થાય છે.

જટિલતાને દૂર કરવાનો અમારો ઉદ્દેશ્યઃ હિતેશ સેઠિયા
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ હિતેશ સેઠિયાએ જણાવ્યું કે, “ટેક્સ ફાઇલિંગની ડેડલાઇન નજીક આવી રહી છે ત્યારે ઘણા લોકો ટેક્સ ફાઇલિંગ સાથે જે જટિલતાને જોડે છે તેને દૂર કરવાનો અમારો ઉદ્દેશ્ય છે. અસરકારક ટેક્સ પ્લાનિંગ સેવાઓ સાથે ગ્રાહકોને સશક્ત બનાવવા પણ એટલું જ મહત્વનું છે, જેનાથી તેઓ સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન તેમની ટેક્સ જવાબદારીને ઓછી કરી શકે અને તેના પર નજર રાખી શકે.

આ સેવાને જિયોફાઇનાન્સ એપ સાથે જોડવાથી નિષ્ણાત સહાય, સ્પષ્ટ સમજ અને પારદર્શક કિંમતો સાથે ટેક્સ ટ્રાન્ઝેક્શન્સ માટે અડચણ વગરનો અનુભવ મળશે. આ મોડ્યુલનું લોન્ચિંગ ભારતીયોને દરરોજ સશક્ત બનાવતા સુલભ, ડિજિટલ-ફર્સ્ટ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ આપવાના અમારા પ્રયાસમાં વધુ એક પરિમાણ ઉમેરે છે.”

















