અમદાવાદથી છેલ્લા બે દાયકાથી વધુ સમયથી પ્રસિદ્ધ થતું સોની સમાજનું પારિવારિક અગ્રીમ મુખપત્ર જ્ઞાતિસેતુના મુખ્ય તંત્રી તરીકે સેવા આપતા સમાજસેવક, વડિલ હંસરાજભાઈ કંસારાનું ૯૦ વર્ષની વયે આજે તા.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવારે દિલ્હી ખાતે અવસાન થયું છે. તેઓ મૂળ કચ્છના અંજારના વતની હતા છેલ્લા પાંચ વર્ષથી દિલ્હી સ્થાઈ થયા હતા.
સાહિત્ય પ્રત્યે અનન્ય લગાવ ધરાવતા સ્વ. હંસરાજભાઈ કચ્છના અગણ્ય અખબાર કચ્છ મિત્રના પૂર્વ મેનેજર શૈલેષભાઈ કંસારાના પિતાશ્રી હતા. જ્ઞાતિસેતુ મેગેઝિનમાં જોડણી કે અન્ય કોઈ ક્ષતિ ન રહી જાય તેની ચિવટપૂર્વક કાળજી લેતા તેઓ સમાજસેવામાં હંમેશાં આગળ રહ્યા હતા.
સદગત હંસરાજભાઈ છેલ્લા પાંચ વર્ષથી દિલ્હી ખાતે સ્થાયી થયા હતા. તેમના અવસાનથી જ્ઞાતિસેતુ તથા સમગ્ર મારુ કંસારા સોની સમાજમાં શોકની લાગણી વ્યાપી છે.
જ્ઞાતિસેતુના તંત્રી અતુલભાઈ સોની, ચેરમેન મનુભાઈ કોટડીયા, તુલસીભાઈ કંસારા તથા જયેશભાઈ ઘડિયાળીએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે – “હંસરાજભાઈનું જીવન સમાજ માટે પ્રેરણાસ્ત્રોત હતું. તેમનો અભાવ હંમેશા અનુભવાશે.” દિવ્યક્રાંતિ તથા દિવ્યદ્રષ્ટિ મીડિયા પરિવાર હંસરાજભાઇ કંસારાની દિવ્ય અને પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ અર્પે તથા તેમના સ્નેહીજનોને આ દુઃખની ઘડીમાં આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે. (તસ્વીર સૌજન્ય :મહેશભાઈ સોની, નખત્રાણા)
