
મહાશિવરાત્રિના પાવન અવસરે જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનાર દેશના સૌથી મોટા મેળાને લઈને રાજ્ય સરકારે વિશાળ સ્તરે તૈયારી શરૂ કરી છે. આજરોજ (30 જાન્યુઆરી) નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગાંધીગનરમાં સાધુ-સંતો, મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની બેઠક મળી હતી.

દર વર્ષે શિવરાત્રિના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન માટે આવે છે.
આ વર્ષે પણ 11થી 15 ફેબ્રુઆરી સુધી ચાલનારા શિવરાત્રિ મેળામાં રાજ્ય તેમજ દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે. મેળામાં પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠો, સ્વચ્છતા અને ટ્રાફિક નિયંત્રણ સહિતની તમામ સુવિધાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 2900થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

પોલીસ સાથે સ્થાનિક યુવાનોને પણ જોડવામાં આવશે. સમગ્ર મેળા વિસ્તારમાં સીસીટીવી નેટવર્ક દ્વારા સતત નજર રાખવામાં આવશે, તેમજ શ્રદ્ધાળુઓ માટે ઉતારાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

300 જેટલી સામાજિક સંસ્થાઓ ભોજન-ઉતારાની વ્યવસ્થામાં જોડાશે મેળામાં સામાજિક સંસ્થાઓનો પણ મહત્વનો સહયોગ રહેશે. અંદાજે 300 જેટલી સામાજિક સંસ્થાઓ ભોજન અને ઉતારાની વ્યવસ્થામાં જોડાશે. આ ઉપરાંત, આગામી 11 ફેબ્રુઆરીના રોજ સાધુ-સંતો અને મહંતોની ભવ્ય નગરયાત્રા યોજાશે. તમામ સાધુસંતોનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ નગરયાત્રામાં વિશેષ ઉપસ્થિત રહેશે.

આજે બેઠકમાં ઈન્દ્રભારતીબાપુ સહિતના સાધુ-સંતો હાજર રહ્યાં સંકલન બેઠકમાં અધિકારીઓએ મેળાને યાદગાર અને અદ્ભુત બનાવવા માટેની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ભવનાથના દર્શન માટે રાજ્યભરમાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.















