
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 (સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ) ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ કાલે તા. 26 ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યો છે. પરીક્ષાને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ, કલેક્ટર તેમજ બોર્ડના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કુલ 17 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં કુલ 22,870 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે સુદ્રઢ આયોજન ગોઠવાયું છે.

પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા, સ્વચ્છતા, બેઠક વ્યવસ્થા અને સુરક્ષા સહિતની તમામ આવશ્યક કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો પર વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમને ઓનલાઈન તાલીમ પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મોરબી જિલ્લામાં એકપણ પરીક્ષા કેન્દ્ર સંવેદનશીલ અથવા અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું નથી, જે જિલ્લા માટે સકારાત્મક સંકેત ગણાય છે.વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા જીવનના અગત્યના પડાવ સમાન છે. વર્ષભરના પરિશ્રમનું ફળ મેળવવાનો આ સમય હોવાથી શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને નિર્ભય અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી છે. માતા-પિતા અને શિક્ષકો પણ વિદ્યાર્થીઓને માનસિક દબાણ વિના શાંતિપૂર્વક પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.


















