
મોરબીમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો
ઉતર ગુજરાત તથા કચ્છ ભારે વરસાદમાં સતત ધમરોળાતા રહ્યા હોય તેમ આજે સવારથી બપોર સુધીમાં વધુ પાંચ ઈંચ સુધીનો વરસાદ ખાબકયો હતો.

સમગ્ર કચ્છમાં મેઘતાંડવની હાલત હોય તેમ ચારેબાજુ આફત જેવી હાલત હતી.આજે સવારે 6થી બપોરે બે વાગ્યા સુધીમાં કચ્છના લખપત તથા રાપરમાં વધુ 5-5 ઈંચ વરસાદ ખાબકયો હતો.

રાપરમાં આ સાથે બે દિવસનો કુલ વરસાદ 17 ઈંચ થયો હતો. રાપરમાં ચારેકોર પાણી વચ્ચે એક હોસ્ટેલમાં 20 વિદ્યાર્થીઓ ફસાયા હતા તેની જાણ થતા બચાવ ટીમો દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યુ હતું.

ગાંધીધામમાં પણ બપોર સુધીમાં સાડાત્રણ ઈંચ, ભચાઉમાં સવા ત્રણ ઈંચ, નખત્રાણામાં ત્રણ ઈંચ, ભુજમાં પોણા ત્રણ ઈંચ તથા અંજારમાં દોઢ ઈંચ, માંડવી-મુદ્રામાં એક-એક ઈંચ વરસાદ થયો હતો.

બનાસકાંઠાના ભાભરમાં સવા ચાર ઈંચ, પાટણના સાંતલપુરમાં 3 ઈંચ, રાધનપુરમાં અઢી ઈંચ, દિયોદરમાં બે ઈંચ તથા મોરબીમાં ૪ ઇંચ વરસાદ થયો હતો.

















