
કચ્છના લખપતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લખપતના ભાડરા ગામના 14 વર્ષના કિશોરના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો હોવાની ઘટના બની છે. મોબાઈલ ફાટતાં કિશોરે સ્માર્ટફોનનો ઘા કરી દીધો હતો, જોકે ફોન ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા હતા.

મળતી માહિતી મુજબ, લખપત તાલુકાના ભાવડા ગામના રાજવીર અરવિંદ પાયરના ખિસ્સામાં રાખેલો સ્માર્ટફોન અચાનક ફાટ્યો હતો. જેની જાણ થતાં તરત રાજવીરે સ્માર્ટફોનને ખિસ્સામાંથી કાઢીને બહાર ફેંક્યો હતો. પરંતુ આ પછી પણ મોબાઈલમાં વધુ બે ધડાકા થયા હતા.

કિશોરના ખિસ્સામાં ફોન ફાટવાની ઘટનાને લઈને પરિવારમાં ચિંતા છવાઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. જોકે, ફોન કયા કારણોસર ફાટ્યો તેને લઈને કોઈ જાણકારી મળી નથી.

બાળકે જણાવ્યું હતું કે, ખિસ્સામાં ધડાકા સાથે મોબાઈલ ફાટ્યા બાદ તેણે તરત જ તેને બહાર કાઢી નાખ્યો હતો, તેમ છતાં બહાર કાઢ્યા પછી પણ તેમાં વધારાના બે ધડાકા થયા હતા. આજકાલ બાળકો મોબાઈલનો સતત ઉપયોગ કરતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના વાલીઓ ચેતવણી સ્વરૂૂપ છે.

મોબાઈલના વધારે પડતા વપરાશ, બેટરીની ગુણવત્તા કે ઓવરહીટિંગ જેવા કારણોસર આવા બનાવ બની શકે છે, જે બાળકોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો કરે છે. તેથી ધ્યાન રાખવુ ખૂબ જરૂૂરી છે.




