
તાજેતરમાં પોરબંદર ખાતે Sports Yoga and Cultural Association દ્વારા આયોજિત ભવ્ય એવોર્ડ એનાયત સમારંભમાં કચ્છ જિલ્લાના રવાપર ગામની પ્રતિભાશાળી યુવતી ધારાબેન રવજીભાઈ બારમેડાને સમગ્ર ગુજરાતમાંથી પસંદગી પામી પ્રતિષ્ઠિત “સાહિત્ય રત્ન એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો.

ધારાબેન બારમેડા સાહિત્ય ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન, સર્જનાત્મક લેખન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. સાહિત્ય પ્રત્યેની તેમની લગન, સર્જનશીલતા અને સમાજપ્રતિ બદ્ધતા ધ્યાનમાં લઈ જ્યુરી મંડળ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.

આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ધારાબેનને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી. એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ ધારાબેને જણાવ્યું હતું કે, આ સન્માન તેમની માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને તેઓ આવનારા સમયમાં પણ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે વધુ કાર્ય કરવા પ્રતિબદ્ધ રહેશે.

હાલમાં ધારાબેન પોરબંદર સ્થિત સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, ગરેજ ખાતે શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યા છે. શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે તેમની સતત કામગીરી બદલ કચ્છ તથા પોરબંદર વિસ્તારમાંથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
આ સિદ્ધિથી કચ્છ જિલ્લો તેમજ રવાપર ગામમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.


















