
દેશમાં ડિજિટલ પેમેન્ટ વધારવા અને ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વની પહેલ કરી છે. સરકાર ટોલ પર ચૂકવાતા પેમેન્ટને લઈને નવો નિયમ લાવી છે. નવા નિયમ મુજબ નેશનલ હાઈવે પર ફાસ્ટેગ વગરના કોઈપણ વાહનો એન્ટ્રી થશે તો તેમની પાસેથી પેમેન્ટ મુજબ જુદા જુદી રીતે ચાર્જ વસૂલવામાં આવશે.

રોકડમાં વધુ, ડિજિટલ પેમેન્ટથી ઓછો ટોલ ટેક્સ

જો નેશનલ હાઈવે પરથી પસાર થતો ફાસ્ટેગ વગરનો વાહન ચાલક રોકડમાં ચૂકવણી કરશે તો તેણે બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. અને જો તે UPI કે અન્ય ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરશે તો માત્ર 1.25 ટકા ટોલ ટેક્સ ચૂકવવો પડશે. વર્તમાન નિયમની વાત કરીએ તો હાલ રોકડ કે યુપીઆઈ દ્વારા થતી ચૂકવણી હેઠળ ડબલ ટેક્સ લેવામાં આવે છે. આનો અર્થ એ છે કે, યુપીઆઈથી પેમેન્ટ કરનાર નોન-ફાસ્ટેગ યુઝર્સે ઓછો ટેક્સ ચૂકવવો પડશે, જે ફાસ્ટેગ વગરના વાહનો માટે મોટી રાહત સમાન છે.

15 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નવા નિયમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે અને એવું પણ કહેવાયું છે કે, નવો નિયમ 15 નવેમ્બરથી લાગુ થશે. ઉદાહરણ દ્વારા સમજીએ તો, ફાસ્ટેગથી 100 રૂપિયા ટોલ ટેક્સ હોય તો રોકડથી તે 200 રૂપિયા થઈ જશે. પરંતુ જો યુપીઆઈથી ડિજિટલ રૂપે ચૂકવણી કરવામાં આવે તો માત્ર 125 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે નોન-ફાસ્ટેગ યુઝર્સ 15 નવેમ્બરથી યુપીઆઈથી પેમેન્ટ કરશે તો 75 રૂપિયાની બચત થઈ શકે છે.

















