HomeAllકેવડિયા: PM મોદીએ રૂ.1220 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ધાટન, 25 નવી ઈ-બસોનું લોકાર્પણ

કેવડિયા: PM મોદીએ રૂ.1220 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ધાટન, 25 નવી ઈ-બસોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ આવતીકાલે 31 ઑક્ટોબરે સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી સમારોહમાં સહભાગી થશે. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ખરાબ હવામાનના કારણે તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી, કેવડિયા સુધી બાય રોડ પહોંચ્યા.

PM મોદીના ગુજરાત પ્રવાસની અપડેટ્સ

વડાપ્રધાન મોદીએ એકતા નગર અને રાજપીપળામાં 1,220 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાને એકતા નગરમાં સ્મારક સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું.

25 નવી ઈ-બસોનું લોકાર્પણ

વડાપ્રધાન મોદી વડોદરાથી બાય રોડ મારફતે કેવડિયા પહોંચ્યા. જ્યાં તેમણે એકતા નગરમાં ઈ-બસોને લીલી ઝંડી બતાવી. વડાપ્રધાનના હસ્તે રૂ.30 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી 25 નવી ઈ-બસોનું લોકાર્પણ કરાયું. આ સાથે એકતા નગરમાં હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે.

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઠીક 4:00 વાગે વડોદરા ઍરપોર્ટ પર પધારવાના હતા અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત સ્ટેચ્યુ ઑફ યુનિટી પહોંચવાના હતા. પરંતુ, સતત વરસતા વરસાદ અને ખરાબ હવામાનને લીધે તેમણે હવે રોડ માર્ગે જવાનું નક્કી કર્યું છે.

PM મોદીનો બાય રોડ રૂટ અને સુરક્ષા

પીએમ મોદી વડોદરા ઍરપોર્ટથી ગોલ્ડન ચોકડી, કપુરાઈ ચોકડી, ડભોઈ થઈને એકતા નગર ખાતે પહોંચવાના છે. વડાપ્રધાનના આ બાય રોડ પ્રવાસના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા સહિતના વિસ્તારોમાં સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હવામાનના વિઘ્નને કારણે તેમના કાર્યક્રમના પરિવહનમાં ફેરફાર થવાથી સુરક્ષા અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

અગાઉ પણ આવા પ્રસંગો બન્યા છે

આ પહેલીવાર નથી જ્યારે વડાપ્રધાન મોદીને ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે મુસાફરી કરવી પડી હોય. વર્ષ 2017માં નર્મદા ડેમના લોકાર્પણ સમયે પણ વરસાદ વિઘ્ન બન્યો હતો, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરાથી સીધા બાય રોડ સ્ટેચ્યુ ઑફ યુનિટી આવવાની નોબત આવી હતી. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પણ 26 ફેબ્રુઆરી 2025એ ગુજરાત આવ્યા હતા, ત્યારે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે તેમને પણ વડોદરાથી બાય રોડ કેવડિયા આવવું પડ્યું હતું.

30 ઓક્ટોબરના કાર્યક્રમની રૂપરેખા

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની આસપાસના વિસ્તારમાં ઇકો-ટુરિઝમ, ગ્રીન મોબિલિટી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આદિવાસી વિકાસને પ્રોત્સાહન આપવાના એકતા નગરના રૂ.1,220 કરોડના પ્રોજેક્ટ્સનું વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રવાસીઓના અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવા અને વિસ્તારમાં ટકાઉપણાની પહેલને ટેકો આપવાનો છે.

ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં રાજપીપળામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, ગરુડેશ્વર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-1), વામન વૃક્ષ વાટિકા, સાતપુડા પ્રોટેક્શન વોલ, ઇ-બસ ચાર્જિંગ ડેપો, 25 ઇલેક્ટ્રિક બસો, નર્મદા ઘાટ એક્સટેન્શન, કૌશલ્યા પથ, એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન (ફેઝ-2), સ્માર્ટ બસ સ્ટોપ્સ (ફેઝ-2), ડેમ રેપ્લિકા ફાઉન્ટેન, GSEC ક્વાર્ટર્સનો સમાવેશ થાય છે.

વધુમાં, વડાપ્રધાન ભારતના રોયલ કિંગડમ્સનું સંગ્રહાલય, વીર બાલક ઉદ્યાન, રમતગમત સંકુલ, રેઈન ફોરેસ્ટ પ્રોજેક્ટ, શૂલપાણેશ્વર ઘાટ નજીક જેટી વિકાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મુસાફરો સહિત વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. કાર્યક્રમ દરમિયાન, પીએમ મોદી સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 150 રૂપિયાના મૂલ્યનો એક ખાસ સ્મારક સિક્કો અને સ્ટેમ્પ પણ બહાર પાડશે.

31 ઓક્ટોબરના કાર્યક્રમની રૂપરેખા

વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતા દિવસ પરેડ થશે. પરેડમાં વિવિધ રાજ્ય પોલીસ દળો સાથે BSF, CRPF, CISF, ITBP અને SSBની કન્ટીજન્ટ સામેલ રહેશે. જેમાં આ વર્ષે મુખ્ય આકર્ષણોમાં રામપુર શિકારી શ્વાનો અને મુધોલ શિકારી શ્વાનો જેવા ભારતીય જાતિના શ્વાનનો સમાવેશ કરતી BSF માર્ચિંગ કન્ટીજન્ટ, ગુજરાત પોલીસના ઘોડાની કન્ટીજન્ટ, આસામ પોલીસનો મોટરસાયકલ ડેરડેવિલ શૉ અને BSFનો કેમલ કન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેન્ડનો સમાવેશ થાય છે.

BSFના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું સન્માન કરાશે

પરેડમાં CRPFના પાંચ શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાઓ અને ઝારખંડમાં નક્સલ વિરોધી કામગીરી અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં અસાધારણ હિંમત દર્શાવનારા BSFના સોળ શૌર્ય ચંદ્રક વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન BSFના જવાનોને તેમની બહાદુરી માટે પણ સન્માનિત કરવામાં આવશે.

આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં NSG, NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના દસ ટેબ્લો રજૂ કરાશે, જે ‘વિવિધતામાં એકતા’ થીમ દર્શાવે છે. 900 કલાકારો દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા ભારતના શાસ્ત્રીય નૃત્યો રજૂ કરશે. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે રાષ્ટ્ર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે.

વડાપ્રધાન આરંભ 7.0 ના સમાપન પર 100મા ફાઉન્ડેશન કોર્ષના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આરંભની 7મી આવૃત્તિ “શાસનની પુનઃકલ્પના” થીમ પર યોજાઈ રહી છે. 100મા ફાઉન્ડેશન કોર્ષમાં ભારતની 16 સિવિલ સેવાઓ અને ભૂટાનની 3 સિવિલ સેવાઓના 660 ઓફિસર તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!